GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: VGRC–૨૦૨૬ : સૌરાષ્ટ્ર કચ્છમાં ૬ લાખ થી વધુ નવી રોજગારીનાં સર્જનનો અવસર

તા.૧/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

ઉદ્યોગોમાં ઓટોમાઇઝેશન–રોબોટિક્સનો ઉપયોગ વધતા સ્કિલ્ડ મેનપાવરની માંગ વધશે

એન્જિનિયરિંગથી મેનેજમેન્ટ સુધી રોજગારીની વિશાળ તકો : મિકેનિકલ, સિવિલ, આઈ.ટી. એન્જિનિયર અને આઈ.ટી.આઈ. ડિગ્રી ધારકો માટે નોકરીઓની તક

ઇન્ડસ્ટ્રીઝની માંગ મુજબ હવે યુનિવર્સીટીઝ એકેડમીયા પ્રોગ્રામ, ઇન્ક્યુબેશન સેન્ટર અને ટ્રેનિંગની સુવિધા આપી રહી છે.

Rajkot: તાજેતરમાં રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ. જેમાં ૨૫ જેટલા સેકટરમાં ૫,૪૯૨ સમજૂતી કરાર થયા. લગભગ ૫.૭૮ લાખ કરોડનું રોકાણ અને ૬ લાખથી વધુ રોજગારીનું સર્જન થશે.

રાજકોટનું ઓટો એન્જીનીયરીંગ, મોરબીનુ સિરામિક, જામનગરનું પેટ્રો કેમિકલ, કચ્છમાં રિન્યુએબલ એનર્જી સહીત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં આનુસંગિક સેક્ટરમાં વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે કયા પ્રકારની રોજગારી ઉભી થશે તે સૌથી મહત્વનું સાબિત થશે.

વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં તેના વર્ક કલચર સબંધી નવી ભરતીઓ આવશે, જેની માંગ અંગે રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી લાડાણી જણાવે છે કે, હવે સમય બદલાઈ રહ્યો છે. તમામ સેક્ટર ટેક્નોલોજી ડ્રિવન બની રહ્યા છે. જેમાં સ્કિલ્ડ મેન પાવરની જરૂરિયાત રહેશે. એમ.એસ.એમ.ઈ સેક્ટરમાં ૫૦ હજાર જેટલી રોજગારી ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા ચાલતી આઈ.ટી.આઈ. ના સ્કિલ આધારિત કોર્સ કરેલા છાત્રો માટે વિશાળ તકો રહેલી છે. ઓટો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક, કિચનવેર સેક્ટરમાં સી.એન.સી. મશીનનો વપરાશ વધતા ઓટો કેડ ડિઝાઈનર, સી.એન.સી. ઓપરેટર, જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રે જવેલરી ડિઝાઈનમાં કુશળ યુવાનોની બહોળી સંખ્યામાં માંગ રહેશે. રાજકોટ કાસ્ટિંગ અને ઓટો એન્જીન્યરીંગનું હબ છે. અહીના પ્રિસિઝન પાર્ટસની દેશ વિદેશમાં માંગ છે. એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પાંચાણી જણાવે છે કે, રાજકોટમાં પાર્ટ્સ બનાવી એક્સપોર્ટ કરતી અનેક ઇન્ડસ્ટ્રીઝ હવે સેમી કે ફૂલી ઓટોમેટિક બની રહી છે. એસેમ્બલી લાઈન અને રોબોટ્સ નાના મોટા કામ કરી આપે છે. આજની યુવા પેઢી હવે મેન્યુફેક્ચરિંગ ઓટોમાઇઝેશનના ઉપયોગ પર ભાર મૂકી રહ્યા છે. જેથી હવે લેબર વર્ક ઘટી રહ્યું છે અને સ્કિલ્ડ મેન પાવરની ડિમાન્ડ વધી રહી છે.

શ્રી નરેન્દ્રભાઈ જણાવે છે કે, રાજકોટ સહીત અન્ય શહેરમાં યુનિવર્સીટી હવે ઇન્ડસ્ટ્રીઝ -એકેડમીયા પ્રોગ્રામ ચલાવી રહી છે. જેમાં ઇન્ડસ્ટ્રીઝની માંગ મુજબ કોર્સીસ, ટ્રેનિંગ, ઇન્ક્યુબેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉભી કરી રહી છે.

જામનગર ઓઇલ, ગેસ અને પેટ્રો કેમિકલ્સ ક્ષેત્રે એશિયામાં અગ્રીમ સ્થાન ધરાવે છે. કચ્છમાં રિન્યુએબલ્સ એનર્જી ઉદ્યોગ સાથે આવનારા સમયમાં ૨ લાખથી વધુ રોજગારી ઉભી થવાની છે. જેમાં સ્કિલ્ડ અને સર્ટિફાઈડ વર્કર્સની મહત્તમ જરૂરિયાત રહેશે. કમ્પ્રેસર, બોઈલર, ટર્બાઇન ઓપરેટર ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જીનીયર્સ, કેમિકલ ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન સહીત અનેક પ્રકારની સ્કિલ ધરાવતા વર્કર્સની માંગ રહેશે.

કચ્છમાં સૌથી મોટા મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ સહિતના પોર્ટ ડેવલપમેન્ટ માટે થયેલાં કરાર મુજબ ૨.૮૯ લાખ નવી રોજગારીનું સર્જન થવા જઈ રહ્યું છે. સિવિલ, મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ શાખા ઉપરંત મરીન અને પોર્ટ ઓપરેટર, કાર્ગો હેન્ડલિંગ, શીપીંગ, લોજીસ્ટીક્સ, સેફટી એન્જીનીયર અને વહીવટી કામગીરી માટે કોમર્સની સ્કીલ ધરાવતા છાત્રોને રોજગારીનું વિશાળ ફલક મળી રહેશે.

આ ઉપરાંત સ્માર્ટ સીટી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અર્બન ડેવલપમેન્ટ માટે ૧૧ હજાર જેટલી રોજગારીની તકો ઉભી થશે. જેમાં સિવિલ એન્જીનીયર્સ, સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ, પ્રોજેક્ટ મેનેજર, સાઈટ સુપરવાઈઝર, ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર, સેનીટેશન, સોલિડ વેસ્ટ વિભાગ સહીત અનેક વિભાગમાં સ્કિલડ મેન પાવર મોટા પાયે નોકરી રોજગાર મેળવી શકશે.

ફાસ્ટ ગ્રોઈંગ એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝમાં ૧૦ હજાર થી વધુ એમ્પલોયમેન્ટ જનરેટ થવાનું છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. જેમાં જરૂરી એગ્રો પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પણ હવે સ્કિલ્ડ મેન પાવર પર આધારિત છે. આઈ.ટી. ક્ષેત્રે સોફ્ટવર ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ આઉટ સોર્સથી કામગીરી માટે થયેલા કરાર મુજબ આઈ.ટી. પ્રોફેશનલની માંગ વધશે. જયારે બાયોટેક્નોલોજી હાલ ઉભરતો વિષય છે. જેમાં એમ.એસ.સી. બી.ટેક. બાયોટેક વિષયક છાત્રો માટે સ્કોપ રહેશે તેમ શ્રી દક્ષાબેન સખીયા જણાવે છે.

મોટા ભાગના ક્ષેત્રમાં આઈ.ટી.આઈ. દ્વારા ચાલતા ૨૭ જેટલા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરીની વિપુલ તક મળી રહેશે તેમ રાજકોટ આઈ.ટી.આઈ. ના પ્રિન્સિપાલ શ્રી સાગરભાઈ રાડિયા જણાવે છે. જેમાં ઇલેક્ટ્રિશિયન, ફિટર, વેલ્ડર, વાયરમેન, મિકેનિક ડિઝલ એન્જિન, મિકેનિક મોટર વ્હીકલ, મશીનિસ્ટ, ટર્નર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રાફ્ટ્સમેન, કેમિકલ પ્લાન્ટ એટેન્ડન્ટ સહિતના વિષયમાં ટેક્નિશિયન તૈયાર કરવામાં આવે છે. જેઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ પણ પુરી પાડવામાં આવતી હોવાનું શ્રી સાગરભાઈ જણાવે છે. જેઓની હાલ તો ડિમાન્ડ છે જ પણ ભવિષ્યમાં પણ સારી માંગ રહેશે.

તમામ ઈન્ડસ્ટ્રીઝમાં માત્ર ટેક્નિકલ જ નહીં પરંતુ બિઝનેસ મેનેજમેન્ટ અને માર્કેટિંગ પણ ખુબ મહત્વનું એકમ છે. જેમાં મેનેજર, સુપર વાઇઝર, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, માર્કેટિંગ સ્કિલ ધરાવતા યુવાનોની બહોળા પ્રમાણમાં જરૂરિયાત પણ રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ ખાતે ખુલ્લી મુકેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર કચ્છ માત્ર વ્યાપાર જ નહીં પરંતુ રોજગારીનો સુવર્ણ અવસર બની રહેશે તેમ ચોક્કસ કહી શકાય.

Back to top button
error: Content is protected !!