Rajkot: VGRC-2026 દુશ્મનોના જામર વચ્ચે ય ડિફેન્સના ડ્રોનનું ફ્લાઈંગ અકબંધ રાખતી ટેક્નોલોજીની શોધ કરતા રાજકોટના યુવાનો

તા.૧૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: સંદીપ કાનાણી
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઈનોવેટર્સ અને ટેક્નોક્રેટ યુવાનોને મોટું પ્લેટફોર્મ બનશેઃ પેન્સ માતરિયા
સ્ટાર્ટઅપ્સને કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રોત્સાહનોથી અનેક યુવાનો ઈનોવેશન તરફ વળ્યા
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ સાથે રિસર્ચ અને ઈનોવેશનને વેગ અપાઈ રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ તેમજ રાજ્ય સરકારની વિવિધ સહાયના કારણે ટેક્નોક્રેટ યુવાનો એડવાન્સ ઈનોવેશન તરફ વળ્યા છે. રાજકોટમાં છ યુવાનો એન્ટી જામિંગ ડ્રોન ટેક્નોલોજી (જી.પી.એસ. વિના જ કામ પાર પાડતી ટેક્નોલોજી) પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ થઈ જશે. હાલ રાજકોટમાં યોજાવા જઈ રહેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ જેવી ઈવેન્ટથી સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની ઈકો સિસ્ટમ વધુ બુસ્ટ થશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ઈન્ક્યુબેશન સેન્ટરમાં રાજકોટના ટેક્નોક્રેટ યુવક પેન્સ માતરિયાએ પોતાના ૬ મિત્રો સાથે મળીને સ્ટ્રાઈડ ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. વર્ષ ૨૦૨૩થી આ ટીમ વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ (વી.પી.એસ.) પર કામ કરી રહી છે.
ઈનોવેશનના કો-ફાઉન્ડર પેન્સ માતરિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડ્રોન જી.પી.એસ.ના આધારે લોકેશન ટ્રેસ કરીને કામ કરતા હોય છે. પરંતુ આ એક એડવાન્સ ટેક્નોલોજી છે, જે કમ્પ્યુટર વિઝન અને AI-ML (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ)ના આધારે કામ કરે છે. જ્યારે સરહદ પર દુશ્મન દેશના જામરના કારણે જી.પી.એસ. જામ થઈ જાય, મોટી કંપનીઓ કે વેર હાઉસમાં ઈન્ડોર સ્થિતિમાં, ગીચ જંગલ કે પહાડી વિસ્તારોમાં જી.પી.એસ. બંધ થાય કે તેનું કમ્યુનિકેશન ખોરવાઈ જાય ત્યારે ડ્રોન કામ પાર પાડી શકતું નથી. પણ ડ્રોનમાં વી.પી.એસ. (એડવાન્સ સોફ્ટવેર સાથેનું એક પ્રકારનું બોક્સ) લગાડ્યા પછી તે જી.પી.એસ. વિના પણ પોતાના કામ પાર પાડી શકશે.
તેણે કહ્યું હતું કે, ભારતના સરહદો પર સૈન્યના વિવિધ ઓપરેશન્સ માટે આ ટેક્નોલોજી ખૂબ ઉપયોગી બની શકે છે. ઉપરાંત અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ, વાવાઝોડા કે અન્ય હોનારતમાં જ્યાં જી.પી.એસ. સિગ્નલ નબળાં છે ત્યાં કોઈને દવા, ખોરાક સહિતની વસ્તુઓ પહોંચાડવામાં આ ટેક્નોલોજી ખૂબ મદદરૂપ થઈ શકે છે.
મૂળ રાજકોટના પેન્સ માતરિયાએ આઈ.આઈ.ટી. કાનપુરમાં બી.ટેક.નો અભ્યાસ કર્યા પછી બેંગલોરમાં ડ્રોનના સ્ટાર્ટઅપમાં કામ કર્યું. આ કંપની મોટાભાગે મિલિટરી, પોલીસ વગેરેના સર્વેલન્સ ડ્રોન બનાવતી હતી. દરમિયાન તેના ધ્યાનમાં આવ્યું કે, ઘણા મિલિટરી ઓપરેશન તેમજ અન્ય કઠિન સ્થિતિમાં જ્યાં જી.પી.એસ. જામર હોય કે સિગ્નલ વીક હોય ત્યાં ડ્રોન કામ કરી શકતા નથી. આ ટેકનિકલ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે તે પોતાના સ્ટાર્ટઅપ તરફ વળ્યો અને મિત્રો સાથે મળીને વર્ષ ૨૦૨૩માં રાજકોટથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
અત્યાર સુધીમાં તેણે ડિફેન્સની વોર એક્સરસાઇઝ તેમજ અન્ય કંપનીઓ સાથે મળીને વી.પી.એસ.ના અનેક ટ્રાયલ લઈ લીધા છે અને સફળ પરિણામો જોવા મળ્યા છે. ટૂંક સમયમાં જ ડિફેન્સ માટે સ્પેશિયલ ડ્રોન ઉત્પાદન કરતી કંપનીને તે પોતાની વી.પી.એસ. ટેક્નોલોજી વ્યવસાયિક ધોરણે આપવાનું શરૂ કરશે. ઉપરાંત સૈન્યએ વસાવેલા ડ્રોન માટે પણ તે પોતાની ટેક્નોલોજી પૂરી પાડવા ઉત્સુક છે.
ગુજરાતમાં સ્ટાર્ટ અપ્સને અપાતા પ્રોત્સાહનના કારણે તેઓ પોતાનું કામ ફંડની ચિંતા વિના સરળતાથી આગળ વધારી રહ્યા છે. તેણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ, ગુજરાત સરકારના વિવિધ વિભાગના ફંડ, ગ્રાન્ટ તેમજ પ્રાઈવેટ મળીને તેને રૂ. ૬૦ લાખ જેટલું ફંડ મળી ચૂક્યું છે. ઉપરાંત રૂ. ૩૦થી ૪૦ લાખ રૂપિયાનું ફંડ અને ગ્રાન્ટ મંજૂર થઈ ગયા છે, જે તેને ટૂંક સમયમાં મળી જશે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિકસી રહી હોવાથી પ્રોત્સાહન મળતાં અનેક યુવાનો હવે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ તરફ વળ્યા છે.
તેણે કહ્યું હતું કે, ખૂબ જ નજીવા દરે ઈન્ક્યુબેશન સેન્ટરમાં સ્પેસ સહિતની માળખાકીય સુવિધાના કારણે તેઓ પોતાનું કામ સરળતાથી આગળ વધારી શકે છે.
પેન્સે કહ્યું હતું કે, સેમી કંડક્ટર અને એ.આઈ. જેવા ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય આગળ પડતો ભાગ ભજવી રહ્યું છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રના યુવાનો માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ ખૂબ સારું પ્લેટફોર્મ છે. વી.જી.આર.સી.માં રોકાણકારો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ આવતા હોવાથી, બધા જ એક જ પ્લેટફોર્મ પર મળી શકે છે. ઈનોવેટર્સ યુવાનો પોતાના ઈનોવેશન તેઓની સમક્ષ રજૂ કરી શકીએ. આ રીતે ઈનોવેશનને મોટું પ્લેટફોર્મ અને બુસ્ટ મળશે








