
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આવેલી સમગ્ર શિક્ષા પ્રાથમિક શાળા,ગિરિનગરનું કરોડોનાં ખર્ચે બનેલુ નવુ મકાન પહેલા જ વરસાદમાં જ લીકેજ થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે.આ મામલે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે.સાપુતારામાં આવેલી ધોરણ 1 થી 8ની આ શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે કરોડો રૂપિયાનાં ખર્ચે નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.જોકે, લઆ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બાળકોની સુવિધાને બદલે પોતાના આર્થિક ફાયદાને વધુ પ્રાધાન્ય આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.વાલીઓ અને સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે બિલ્ડિંગની ડિઝાઇનમાં ખામી છે અને બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યુ છે.અહી પહેલા જ વરસાદમાં, શાળાના વર્ગખંડો અને ગેલેરીઓમાં છત પરથી પાણી ટપકવા લાગ્યુ હતુ.જેના કારણે આખો વિસ્તાર ભીનો થઈ ગયો હતો.વર્ગખંડો અને ગેલેરીઓમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ લપસી રહ્યા છે,જેનાથી તેમની સુરક્ષા જોખમાઈ રહી છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાપુતારા પ્રાથમિક શાળાના વાલીઓ અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના સભ્યોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને પોતાના બાળકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી.જ્યારે આ બાબતે સમગ્ર શિક્ષા અભિયાન ડાંગ જિલ્લાનાં મુખ્ય ઈજનેર સી.એ. પટેલને પૂછવામાં આવ્યુ, ત્યારે તેમણે આ મામલે કોઈ પણ જાણકારી ન હોવાનું જણાવી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. તંત્રની આ ઉદાસીનતાથી વાલીઓમાં રોષ વધુ વધ્યો છે.મળતી માહિતી મુજબ, લગભગ બે અઠવાડિયા પહેલા એક વિદ્યાર્થી ભીની ગેલેરીમાં લપસી પડતા ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યુ છે,જેને તાત્કાલિક સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.આ શાળામાં પાણી ગળવાની આ ઘટના વારંવાર બનતી રહે છે, જેના કારણે બાળકો લપસી પડવાની ઘટનાઓ વધી રહી છે.જેથી વાલીઓને ડર છે કે જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો કોઈ મોટી કે ગંભીર ઘટના બની શકે છે.બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના આ ગંભીર મુદ્દાને ગંભીરતાથી લઈને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે.હવે જોવાનું એ રહેશે કે આ તપાસના પરિણામો શું આવે છે અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર લોકો સામે કેવાં પગલાં લેવાય છે. ગળતર ઓરડામાં માસૂમ વિદ્યાર્થી લપસતા ઇજાગ્રસ્ત.સમગ્ર શિક્ષા પ્રાથમિક શાળા ગિરિનગર સાપુતારા ખાતે બે સપ્તાહ પહેલા એક વિદ્યાર્થી લપસી પડ્યો હતો જેને ઇજા થતા તાત્કાલિક સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.આ શાળામાં ગળતા પાણીને લીધે ગેલેરી અને ઓરડાઓમાં અવારનવાર બાળકો લપસી પડતા હોય છે ત્યારે કોઈ ગંભીર ઘટના ન બને તે માટે પણ વાલીઓ ચિંતિત છે.જેથી જિલ્લા વિકાસ અધિકારી સર્વ શિક્ષા અભિયાનનાં ભ્રષ્ટ ઈજનેર અને ઇજારદારો સામે લાલ આંખે તેવી માંગ ઉઠી છે..





