Rajkot: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ ક્ષય રોગ અંગે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ બની

તા.૧૭/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
૧૭૯ લોકોએ ‘નિક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવીને દર્દીઓની સેવા કરવાનું બીડું ઝડપ્યું
ડિજિટલ નિદાન પદ્ધતિ અને હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીનનું નિદર્શન : ૦૩ હજારથી વધુ પત્રિકાઓનું વિતરણ
Rajkot: રાજકોટ ખાતે ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જવાના આશય સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : કચ્છ-સૌરાષ્ટ્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ માત્ર ઉદ્યોગો અને રોકાણો પૂરતી મર્યાદિત ન રહેતા, સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રે પણ અગ્રેસર રહી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વાઇબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન કમ ટ્રેડ શો’માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને ક્ષય અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ઘનશ્યામ મહેતાના માર્ગદર્શન મુજબ આયોજિત સ્ટોલમાં ક્ષયના દર્દીઓને આર્થિક અને સામાજિક ટેકો આપવાના ઉદેશથી કાર્યરત ‘નિક્ષય પોષણ યોજના’નો લાભ લેવા અને ‘નિક્ષય મિત્ર અભિયાન’માં જોડાવાની અપીલને લોકોએ ઝીલી લીધી હતી. પ્રદર્શનના પાંચ દિવસમાં ૦૮ હજારથી વધુ લોકોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ૧૭૯ લોકોએ ‘નિક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવીને દર્દીઓની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર્દીને સારવાર દરમિયાન ‘નિક્ષય પોષણ યોજના’ અંતર્ગત દર મહિને રૂ. ૦૧ હજારની સહાય અને નિક્ષય મિત્રોના સહયોગથી પોષણ કીટ આપવામાં આવે છે.
આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ તથા રાજ્યના મુખ્ય ક્ષય અધિકારી શ્રી ડો. આર. બી. પટેલ અને તેમની ટીમે મુલાકાત લઈને ક્ષય નાબૂદી અર્થે જનભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. ટી.બી. ચેમ્પિયન્સે અંગત અનુભવો વહેંચીને, ક્ષયના દર્દીઓમાં આત્મવિશ્વાસ જગાડ્યો હતો. તેમજ સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને અપાતી તમામ સારવાર અને નિદાન સેવાઓ નિઃશુલ્ક છે, તે બાબતથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. જેથી, છેવાડાના માનવી સુધી આ યોજનાનો લાભ પહોંચી શકે.
આ સ્ટોલમાં ડિજિટલ નિદાન પદ્ધતિ અને હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ટી.બી.ના સચોટ નિદાન માટે અત્યાધુનિક CBNAAT (કાર્ટીઝ બેઇઝ ન્યુકિલિક એસીડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ) અને TRUNAAT જેવી પદ્ધતિઓ વિશે મુલાકાતીઓને જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરના ડેલિગેટ્સે પણ દેશની આ ટેકનોલોજીને બિરદાવી હતી. તેમજ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ક્ષય રોગ અંગે જાગૃતિ ફેલાવતી ૦૩ હજારથી વધુ પત્રિકાઓનું વિતરણ કરીને જનતાને ક્ષય નાબૂદી અભિયાનમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આમ, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના માધ્યમથી પ્રસરેલી જનજાગૃતિ અને નિક્ષય મિત્રોનો સહયોગ આગામી સમયમાં ટી.બી. મુક્ત ગુજરાત અને ભારતની નેમ પૂરી કરવામાં મદદરૂપ થશે.









