Rajkot: વિકાસ સપ્તાહ – ૨૦૨૫ પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટમાં પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ અને રાજકોટ મહાનગર પાલિકાના રૂ.૮.૬૪ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
‘‘વોકલ ફોર લોકલ’’ને પ્રોત્સાહન આપી દિવાળીના પર્વ પર સ્વદેશી વસ્તુઓ ખરીદવા મંત્રીશ્રી રાઘવજીભાઇનો અનુરોધ
Rajkot: રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે વિકાસ સપ્તાહ અન્વયે, મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેક વિતરણ કર્યા હતા. આ સાથે મંત્રીશ્રીના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના રૂ.૮.૬૪ કરોડના વિકાસ કાર્યોનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વણથંભી વિકાસયાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેના છેલ્લા દિવસે આજે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં બહુવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આયોજિત વિકાસ સપ્તાહના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે સૌને સંબોધતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળ્યા પછી વિકાસને મંત્ર તરીકે અપનાવીને, તેના પર જ કામ કરતા ગુજરાતને દેશનું વિકસિત રાજ્ય બનાવ્યું. આજે તેઓ ગુજરાત મોડલ પર વિકાસના માર્ગે દેશને દોરી રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી નરેન્દ્રભાઈના માર્ગે ગુજરાતના વિકાસને વેગ આપી રહ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારથી લઈને જિલ્લા, મહાનગર, નગર અને ગ્રામ પંચાયત સુધીનું તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.
વિકાસની ઝાંખી આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પી.એમ. કિસાન સન્માનનિધિ યોજનામાં અત્યાર સુધીમાં રૂ.૨૧ હજાર કરોડની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી છે. ૨.૧૯ કરોડ સોઈલ હેલ્થ કાર્ડ સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે.
વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા મંત્રીશ્રીએ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતા દિવાળીના પર્વ પર સ્વદેશી વસ્તુઓ ખરીદીને સ્થાનિક કારીગરોની દિવાળી ઉજાળવા અપીલ કરી હતી.
આ તકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આજે અહીંથી બાંધકામ અને ડ્રેનેજ શાખાના રૂ. ૮.૬૪ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, જે “લિવેબલ રાજકોટ”ના સંકલ્પને દર્શાવે છે.
આ તકે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.તથા મંત્રીશ્રી તથા મહાનુભાવોએ રેસકોર્સમાં આયોજિત સ્વદેશી મેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યોશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.