GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું

તા.૨૭/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ જરૂર પડ્યે ચેકડેમને સૌની યોજનાથી ભરવામાં આવશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂ.૩૩.૭૬ લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ.

સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ ૨૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ કહ્યું કે, આ પંથકને પાણીદાર બનાવવા સરકાર કટિબદ્ધ છે. ખેડૂતો સમૃદ્ધ થાય, ગ્રામજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારની અનેક લોક કલ્યાણ લક્ષી યોજનાઓ કાર્યરત છે.

રસ્તાઓ, શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી, આરોગ્ય સહિતના ક્ષેત્રે નાગરિકોની સુખાકારી વધારવા આયોજનબધ્ધ કામગીરી થઈ રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ચેકડેમની કામગીરી પૂર્ણ થયે ગામના ૧૦૦ જેટલા ખેડૂતોની ૨૦ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ સુફલામ જળસંચય યોજનાનો લાભ લેવા સિંચાઈ વિભાગનો સંપર્ક કરવા મંત્રીશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.

સિંચાઈ વિભાગનાં અધિક્ષક ઇજનેરશ્રી પી.આર.ગૌસ્વામીએ સ્વાગત પ્રવચનમાં મંત્રીશ્રી તેમજ ગ્રામજનોને આવકારી ચેકડેમની જાણકારી આપી ઉમેર્યુ હતુ કે, ગામમાંથી પસાર થતા સ્થાનિક વોંકળા ઉપર આશરે ૨૪ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૧૧.૮૫ ચો.કિમી. જેટલો રહેશે. ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૭૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.

કાર્યક્રમની આભારવિધિ અગ્રણીશ્રી અમરસિંહભાઈએ કરી હતી. આ તકે ગ્રામજનો તેમજ ગામના વિવિધ મંડળોએ મંત્રીશ્રીને પાણીદાર મંત્રીનું બિરુદ આપી ગામમા વિકાસનાં કામો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

 

Back to top button
error: Content is protected !!