GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તરણેતરનાં લોકમેળામાં યોજાશે “૨૦મી ગ્રામીણ ઓલિમ્પિક” સ્પર્ધા, રાજ્યભરના રમતવીરો થશે સહભાગી

તા.૨૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વિશેષ અહેવાલ:- શક્તિ મુંધવા, ભાવિકા લીંબાસીયા: માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:

યુવાનોને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમત-ગમત વિભાગનું વિસ્તૃત આયોજન

મેળામાં ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી-જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરો બતાવશે આગવું કૌવત

ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક

ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમત-ગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને કરાશે પ્રોત્સાહિત

Rajkot: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું તરણેતર ગામ વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળા માટે જાણીતું છે, જે દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આ મેળામાં યોજાતી ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવ ગુજરાતની સાંસ્કૃતિક અને રમતગમતની પરંપરાઓનું અનોખું સંગમ છે. આ વર્ષે તરણેતર ખાતે તા. 26 થી 28 ઓગસ્ટ, 2025 દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ રમતોત્સવ રાજ્ય સરકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી, લીંબડી-સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી રમતવીરો રસ દાખવી રહ્યા છે.

 

આયોજન અને ઉદ્દેશ:-

ગ્રામીણ ઓલિમ્પિકનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રમતોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ રમતોત્સવમાં રાજ્યભરના રમતવીરો ભાગ લે છે, જેમાં બાળકો, યુવાનો અને ઓપન કેટેગરીના ખેલાડીઓ સામેલ હોય છે. આ ઉપરાંત, પરંપરાગત અને સ્થાનિક રમતોને પણ આ ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવે છે, જે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરે છે.

 

રમતોનું શેડ્યૂલ અને સ્પર્ધાઓ:-

૨૦મી ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓનાં આયોજન વિશે વાત કરતાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે તા. ૨૬/૦૮/૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી. દોડ, ૮૦૦ મી. દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડ તેમજ ૧૨ વર્ષના બાળકો માટે લંગડી (૯ ખેલાડીઓ)ની સ્પર્ધા યોજાશે.

બીજા દિવસે એટલે કે તા. ૨૭/૦૮/૨૦૨૫ના રોજ ઓપન કેટેગરીના બહેનો માટે માટલા દોડ હરીફાઇ (૫૦ મી.અંતર), વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ), કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ)ની રમતો યોજાશે. જયારે ભાઈઓ માટે નારીયેળ ફેંક, વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ), કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ), સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે.

ત્રીજા દિવસે એટલે કે તા. ૨૮/૦૮/૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી (૪૫ થી ૫૫ ક્રિગ્રા, ૫૫ થી ૬૮ ક્રિગ્રા અને ૬૮ ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચ (૧૦ ખેલાડીની ટીમ)ની સ્પર્ધા યોજાશે. ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો સહભાગી થશે.

 

પ્રોત્સાહન અને પુરસ્કાર:-

ગ્રામીણ ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પુરસ્કારો ખેલાડીઓનું મનોબળ વધારવામાં અને રમત-ગમત પ્રત્યેનો તેમનો ઉત્સાહ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

ગ્રામીણ ઓલિમ્પિકનું મહત્વ:-

તરણેતરના લોકમેળામાં યોજાતી ગ્રામીણ ઓલિમ્પિક એ ગુજરાતની સાંસ્કૃતિક અને રમત-ગમતની પરંપરાઓનું અનોખું સંગમ છે. આ રમતોત્સવમાં આંતરરાષ્ટ્રીય રમતો જેવી કે દોડ, ગોળાફેંક અને લાંબી કૂદની સાથે સ્થાનિક રમતો જેવી કે નારીયેળ ફેંક, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ)નો સમાવેશ થાય છે. આ રમતો ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે જોડાયેલા રહેવાની અને આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક આપે છે.

આ રમતોત્સવ યુવાનોને રમત-ગમત પ્રત્યે પ્રેરણા આપવાની સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરશે. આગામી ૨૬ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન તરણેતર ખાતે યોજાનાર આ ભવ્ય રમતોત્સવમાં રાજ્યભરના રમતવીરોની સહભાગિતા અને દર્શકોનો ઉત્સાહ આ ઓલિમ્પિકને યાદગાર બનાવશે.

Back to top button
error: Content is protected !!