GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શાળાઓમાં ગુંજશે ભૂલકાંઓનો કિલ્લોલ રાજકોટ જિલ્લાના ૧૮ હજારથી વધુ બાળકો કરશે શાળા પ્રવેશ

તા.૧૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે. પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાના કુલ ૧૮,૫૧૭ ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૮૪૬ અને જેતપુર તથા ઉપલેટામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં હાલમાં ૫૪,૩૩૧ કુમાર તથા ૫૨,૩૩૭ કન્યા મળી કુલ ૧ લાખ ૬ હજાર ૬૬૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે શાળાઓમાં ધો.૧માં ૪,૯૭૬ વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકામાં ૧૩,૫૪૧ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૮,૫૧૭ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થશે.

તાલુકા અનુસાર બાલવાટિકા વર્ગમાં ધોરાજી તાલુકાના ૭૩૯, ગોંડલ તાલુકાના ૧૧૮, જામકંડોરણાના ૪૮૦, જેતપુરના ૧૧૦૯, જસદણના ૧૬૬૯, કોટડાસાંગાણીના ૮૫૭, લોધિકાના ૬૩૨, પડધરીના ૬૩૭, રાજકોટના ૨૧૫૩, ઉપલેટાના ૧૦૭૧ અને વિંછીયા તાલુકાના ૧૧૨૮ એમ કુલ ૧૩૫૪૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧મા ધોરાજી તાલુકાના ૪૧, ગોંડલ તાલુકાના ૩૩૯, જામકંડોરણાના ૨૪, જેતપુરના ૩૪, જસદણના ૧૯૧૨, કોટડાસાંગાણીના ૪૬, લોધિકાના ૪૮, પડધરીના ૧૩, રાજકોટના ૨૪૬૫, ઉપલેટાના ૨૯ અને વિંછીયા તાલુકાના ૨૫ એમ કુલ ૪૯૭૬ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે. ત્યારે શાળકીય નવા વર્ષના શુભારંભ સાથે શાળાઓ ભૂલકાંઓના કિલ્લોલથી ગૂંજી જીવંત થશે.

Back to top button
error: Content is protected !!