Rajkot: ‘‘વિશ્વ કપાસ દિવસ’’ કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા ક્રમાંકે અને દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે
તા.6/10/2025
વાત્સલયમ્ સમાચાર
રાજ લક્કડ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કપાસનું સૌથી વધુ વાવેતર, બીજા નંબરે રાજકોટ તાલુકો અને જેતપુર ત્રીજા નંબરે
Rajkot: આદિમાનવથી લઈને અત્યાધુનિક માનવીના વિકાસમાં આગ, ચક્ર, કપાસ અને નાણાનો સવિશેષ ફાળો રહ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે કપાસ ? હાં કપાસ. કપાસ એવો રોકડીયો પાક છે જેનો નાળીયેરની જેમ સંપુર્ણ ઉપયોગ થાય છે. કપાસ તેના ત્રણ એફ માટે જાણીતો છે. એક ફાઈબર(રેસા) માટે, બીજું ફુડ અને ફીડ (કપાસીયાનું તેલ અને ખોળ માટે) માટે, અને ત્રીજું ફોસિલ – ડાળીઓ બળતણ માટે અને ભુસું બાયોકોલ માટે ઉપયોગી છે.
કપાસના જીંડવામાં સફેદ રુંવાટીવાળું ફાઇબર અથવા લીંટ માત્ર ૩૬% હોય છે. બાકીના ૬૨%માં કપાસીયા હોય છે અને એ કપાસીયામાં ૧૩% ખાદ્ય તેલ હોય છે, જેનો ઉપયોગ રસોઈ માટે થાય છે. તેલ કાઢી લીધા પછી વધતા કપાસીયાનો ૮૫% હિસ્સાનો ઉપયોગ ખોળ બનાવવા માટે વપરાય છે. જેમાં રહેલુ પ્રોટીન પશુધન અને મરઘાં માટેનો સમૃદ્ધ ખોરાક ઘટક છે. કપાસીયામાં પ્રોટીન, તેલ, કાર્બન (C), નાઇટ્રોજન (N), સલ્ફર (S), અને ખનિજો છે, જેમાં ફોસ્ફરસ (P), પોટેશિયમ (K), કેલ્શિયમ (Ca), અને મેગ્નેશિયમ (Mg) હોય છે. કપાસના છોડમાંથી વધતા પાંદડા અને ડાળી-ડાંખળા ૨% જેટલા થાય છે, જેનો ઉપયોગ બળતણ તરીકે અથવા બાયોકોલ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
ભારતના કુલ ટેક્સટાઇલ ફાઇબર વપરાશમાં કપાસનો હિસ્સો આશરે બે તૃતીયાંશ જેટલો છે. સરસવ, સોયાબીન અને મગફળી પછી કપાસિયાના તેલનું ઉત્પાદન દેશમાં વનસ્પતિ ઉત્પાદિત તેલમાં ત્રીજા નંબરે છે. પશુઆહારનો ખોળ બનાવવામાં સોયાબીન પછી બીજા સ્થાને કપાસીયાનો ઉપયોગ થાય છે.
૭ ઓક્ટોબર ૨૦૧૯ થી પ્રતિવર્ષ ‘‘વિશ્વ કપાસ દિવસ’’ની વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ભારતના પ્રીમિયમ ક્વોલિટીના કપાસને ‘કસ્તુરી કોટન’ તરીકે ઓળખવામાં આવે છે. ‘કસ્તુરી કોટન’ બ્રાન્ડ તેની સફેદી, કોમળતા, શુદ્ધતા, ચમક, વિશિષ્ટતા અને ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વ ભારતીય મૂળના કપાસને તેના બ્રાન્ડ નેમ અને લોગો પરથી ઓળખે છે. આ કસ્તુરી કોટન ૨૮ મીમી થી લઈને ૩૫ મીમી સુધીની વેરાયટીમાં મળે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ ના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરે છે.
કસ્તુરી કોટન બ્રાન્ડ નેમ અને લોગો કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા ભારતમાં ૭મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ભારતમાં ઉગાડવામાં આવતા કપાસ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રથમ ‘‘વિશ્વ કપાસ દિવસ’’ની ઉજવણી ૭ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતે કરવામાં આવી હતી. ગુજરાત “ભારતનો કપાસનો વાટકો” તરીકે ઓળખાય છે. દેશમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક ગુજરાત છે અને કપાસની ખેતી માટે યોગ્ય કાળી માટી અને આબોહવા માટે જાણીતું છે.
કૃષિ પછી મહત્તમ લોકોને રોજગારી આપવામાં ટેક્સટાઇલ ઉદ્યોગ છે. દેશની કુલ નિકાસમાં ટેક્સટાઇલનો ૯ % હિસ્સો છે. આ ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં ભારતની નિકાસ બમણી થવાની ધારણા છે, અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દેશને વૈશ્વિક કાપડ હબ બનાવવાના વિઝન પણ ટેક્સટાઈલ ક્ષેત્ર સઘન રીતે જોડાયું છે.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કપાસ ઉત્પાદક અને કપાસનો સૌથી મોટો ગ્રાહક છે. ભારત દર વર્ષે આશરે ૬.0૯ મિલિયન ટન કપાસનું ઉત્પાદન કરે છે જે વિશ્વના કપાસના લગભગ ૨૩% છે. ભારત વિશ્વના કુલ ઓર્ગેનિક કપાસના ઉત્પાદનમાં લગભગ ૫૧% ઉત્પાદન કરે છે, દેશમાં કપાસના ઉત્પાદનમાં અનુક્રમે ગુજરાત બાદ મહારાષ્ટ્ર, તેલંગણા, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઓડીશા આવે છે.
દેશના કુલ કપાસ ઉત્પાદનમાં આશરે ૨૭% હિસ્સા સાથે ગુજરાત ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. રાજ્યના મુખ્ય કપાસ ઉગાડતા જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. કપાસની ખેતી માટે ગુજરાતની અનુકૂળ આબોહવા અને સમૃદ્ધ જમીન સૌથી શ્રેષ્ઠ છે. જે પૈકી સમગ્ર રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫માં કપાસનું કુલ વાવેતર ૧,૧૮,૬૨૮ હેક્ટરમાં થયું છે જેમાં સૌથી વધુ વાવેતર ગોંડલ તાલુકામાં ૨૧,૮૨૭ હેક્ટર, બીજા ક્રમાંકે રાજકોટ તાલુકામાં ૧૫,૮૫૭ હેક્ટર, ત્રીજા ક્રમાંકે જેતપુર તાલુકામાં ૧૨,૮૫૧ હેક્ટર વાવેતર થયું છે.