સ્વચ્છતામાં અમદાવાદનો વિજય: દેશના ‘નંબર 1’ સ્વચ્છ શહેર તરીકે સમગ્ર ભારતમાં ઊભર્યું ગૌરવ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સ્વચ્છ ભારત મિશનના દ્રઢ સંકલ્પ અને શહેરજનની સક્રિય ભાગીદારીથી અમદાવાદે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી વધુ એક વાર પોતાની કામગીરીથી પોતાનો ડંકો વગાડ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં અમદાવાદે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ કેટેગરીમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર દેશમાં 4500થી વધુ શહેરોમાં થયેલા મૂલ્યાંકન દરમિયાન અમદાવાદે સૌપ્રથમ સ્થાન મેળવી એક નવો માઇલસ્ટોન સર્જ્યો છે.
આ સિદ્ધિ પ્રાપ્ત થવા પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલા વિવિધ અભિગમો, તાજેતરની ટેકનોલોજીનો ઉપયોગ, તથા નાગરિકોની ઊંડાણભરી ભાગીદારી મહત્વપૂર્ણ રહેલી છે. આ અભિયાન દ્વારા માત્ર સફાઈ જ નહીં પરંતુ કચરા વ્યવસ્થાપનથી લઈને પાણીની ગુણવત્તા, શૌચાલયોની સ્થિતિ, RRR (Reduce, Reuse, Recycle) તથા ઇનોવેટિવ city-level interventions સુધીના વિવિધ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
મેયર પ્રતિભા જૈનના માર્ગદર્શન હેઠળ શહેરમાં જે પ્રમાણમાં વ્યાપક પ્રયાસો થયા છે, તે દેશભરમાં વસ્તીવાળા અન્ય મહાનગરો માટે પ્રેરણારૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રોત્સાહનથી AMC દ્વારા સફાઈ પ્રત્યેની નીતિમાં સ્પષ્ટતા, પ્રવૃત્તિમાં પારદર્શિતા અને કામગીરીમાં ધક્કો જોવા મળ્યો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્વચ્છ સર્વેક્ષણ માટે વિવિધ ચરણોમાં ચાલતી કામગીરીમાં શહેરની દરેક ઝોનમાં GPS આધારિત મોનિટરિંગ, ઇ-મેમો સિસ્ટમ, અને ટેકનોલોજીના ઉપયોગથી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન ચાલેલી કામગીરીમાં નાગરિકોની ફીડબેક પણ મહત્વપૂર્ણ કારક બની રહી.
મુખ્ય સિદ્ધિઓ:
-
AMC દ્વારા દરરોજ 100% ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણની કામગીરી.
-
1850થી વધુ વાહનો દ્વારા પાંચ પ્રકારના સેગ્રેગેશન સાથે વ્યવસ્થિત કચરાનું એકત્રીકરણ.
-
પિરાણા ડમ્પસાઇટ પર બાયો-માઈનિંગ તેમજ Waste-to-Energy પ્રોજેક્ટ્સની અમલવારી.
-
C&D waste માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી છટણી અને વ્યવસ્થાપન.
-
શહેરના સ્ટોર્મ વોટર ડ્રેઇન્સ, નદીઓ અને જળાશયોની નિયમિત સફાઈ.
-
6000થી વધુ સોસાયટીઓમાં સ્વચ્છતા સ્પર્ધાઓ અને એવોર્ડ સેરેમનીઓ.
-
AMC દ્વારા Red & Yellow Spots નિયંત્રણ માટે ખાસ સ્ક્વોડનો અમલ.
ભવિષ્યની પહેલ:
-
ધાર્મિક વિધિઓમાંથી ઉત્પન્ન નિર્માલ્યમાંથી બાયો ફર્ટિલાઇઝર, કુદરતી રંગો, અને કોકોપીટ ઉત્પાદિત કરવા માટે પ્લાન્ટ.
-
ગાર્ડન વેસ્ટમાંથી બાયો કોલ બનાવી પર્યાવરણને અનુકૂળ ઈંધણ વિકસાવવાનું આયોજન.
રાષ્ટ્રીય માન્યતા:
17 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત વિશિષ્ટ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે અમદાવાદ શહેરને રેન્ક – 1 માટેનો એવોર્ડ આપવામાં આવ્યો. AMCના મુખ્ય અધિકારીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો.
નાગરિકોની ભૂમિકા:
AMC દ્વારા “માય સિટી, માય પ્રાઇડ”, “સ્વચ્છ સોસાયટી લીગ”, તથા જનજાગૃતિ અભિયાનો અન્વયે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરવામાં આવ્યા. જાહેર સ્થળોએ થૂંકવા, ખુલ્લામાં પેશાબ કરવા જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા જાહેર સ્ક્વોડો અને દંડ વ્યવસ્થાની અસરકારક અમલવારી પણ નોંધપાત્ર રહી.
અંતે:
આમ, અમદાવાદે માત્ર પદ્ધતિશીલ કચરા વ્યવસ્થાપન જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વચ્છતા ચળવળને જન આંદોલન બનાવી સ્વચ્છતા ક્ષેત્રે દેશનું મોખરું સ્થાન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ અન્ય શહેરોને પણ પ્રેરણા આપે તેવી છે કે સફાઈ માત્ર શારીરિક નથી, પરંતુ સામૂહિક જવાબદારી છે.








