Rajkot: વિશ્વ હાયપરટેન્શન દિવસ અન્વયે જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરી

તા.૧૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે બિન-સંચારી રોગના તપાસ કેમ્પ યોજાયા
Rajkot: એનસીડી સેલ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ ના રોજ જિલ્લાભરમાં એનસીડી (બિન-સંચારી રોગો) જાગૃતિ અને તપાસણી કાર્યક્રમ યોજાયા હતા. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી અને પોલીસ અધિક્ષક કચેરી ખાતે એનસીડી સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ તકે ૩૬૨ સરકારી કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૯૦ હાયપરટેન્શનના અને ૪૩ ડાયાબિટીસના કેસ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના તમામ આરોગ્ય પેટા કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે પણ વિવિધ જાગૃતિ અને તપાસણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્યત્વે એનસીડી જાગૃતિ સત્રો અને યોગ સત્રોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી મેળવી હતી. આ તમામ કેન્દ્રોમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને સામાન્ય આરોગ્ય તપાસણી કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અભિયાનનું આયોજન કરાયું હતુ.






