BHARUCHBHARUCH CITY / TALUKO

વાગરામાં ખનીજ માફિયાઓ પર તંત્રનો કાળ બની ત્રાટક્યા મામલતદાર, એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 3 હાઈવા ડમ્પર જપ્ત.

સમીર પટેલ, ભરૂચ

 

​વાગરા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે વહીવટી તંત્રએ જાણે યુદ્ધ છેડ્યું હોય તેમ મામલતદાર મીનાબેન પટેલ અને તેમની ટીમે આક્રમક વલણ અપનાવ્યું છે. વાગરા મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કરી એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પ્રથમ કાર્યવાહીમાં સાયખા નજીકથી કોઈપણ પાસ-પરમિટ વગર બિનઅધિકૃત માટીનું વહન કરતું હાઈવા ડમ્પર GJ-16-AW-5137 ને ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીની શાહી હજુ સુકાઈ ન હતી ત્યાં જ મામલતદારની ટીમે ઓરા ચોકડી પાસે સર્જીકલ સ્ટ્રાઈક કરી ગેરકાયદેસર રેતી ભરેલા વધુ ૨ હાઈવા ડમ્પર દબોચી લેતા ખનીજ ચોરોમાં ભારે નાસભાગ મચી ગઈ છે. ​તંત્ર દ્વારા જપ્ત કરાયેલા ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે લાવી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેના આધારે હવે વાહન માલિકો સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ ભરૂચ SDM અને વાગરા મામલતદારે અલાદર નજીકથી માટી ખનનનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. સતત થઈ રહેલી આ કડક કાર્યવાહી એ સાબિત કરે છે કે તાલુકામાં સરકારી મિલકતની ચોરી કરનારા તત્વોને હવે બક્ષવામાં આવશે નહીં. વહીવટી તંત્રના આ કડક હથોડાને પગલે બેફામ બનેલા ભૂ-માફિયાઓના કાળા કારોબાર પર બ્રેક વાગી છે અને સમગ્ર પંથકમાં વહીવટી તંત્રનો ભારે ખૌફ જોવા મળી રહ્યો છે.

વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારો અને સીમમાં હજુ પણ કેટલાક સ્થળોએ ખનીજ માફિયાઓ રાત્રિના અંધકારમાં કે તંત્રની નજર ચૂકવીને બેફામ રીતે કુદરતી સંપત્તિની ચોરી કરી રહ્યા છે. આ તત્વો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ ગેરકાયદેસર ખનન કરીને કાળી કમાણી કરી રહ્યા છે. જોકે, વાગરા મામલતદાર દ્વારા એક જ દિવસમાં કરવામાં આવેલા બેક-ટુ-બેક દરોડાએ આ ભૂ-માફિયાઓના મજબૂત ગણાતા નેટવર્કને હચમચાવી દીધું છે. આ કાર્યવાહી માત્ર વાહન જપ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખનીજ ચોરો માટે એક અંતિમ ચેતવણી સમાન છે કે વહીવટી તંત્ર હવે મૂકપ્રેક્ષક બનીને જોશે નહીં. ​મામલતદારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ બાતમીદારોનું જાળ બિછાવીને ખનીજ ચોરીના મુખ્ય અડ્ડાઓ પર આકસ્મિક ત્રાટકવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્રની આ સક્રિયતા સૂચવે છે કે હવે ખનીજ માફિયાઓએ કાં તો પોતાનો કાળો કારોબાર બંધ કરવો પડશે અથવા જેલના સળિયા પાછળ જવાની અને લાખોના દંડ ભગવવાની તૈયારી રાખવી પડશે.

Back to top button
error: Content is protected !!