શહેરા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરના હસ્તે ધ્વજવંદન કરાયું
જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કમર્યોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું
પંચમહાલ શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, રવિવાર ::* પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૬ માં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિરએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી.
ધ્વજવંદન બાદ ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરએ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ
જેઠાભાઈ આહિરએ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપનાર અનેક નામી અનામી શહિદોને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દૂરદર્શી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતાં જણાવ્યું હતુ કે, આપણા ગણતંત્રનું ૭૬ મુ વર્ષ અનેક અર્થોમાં દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે. સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધતાં અમૃતકાળના દોરમાંથી પસાર થઈ રહેલા ભારત દેશના નાગરિકોને બંધારણમાં નિહિત, આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરી આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.
ઉપાધ્યક્ષશ્રી એ ભારતના ઇતિહાસમાં ૨૬મી જાન્યુઆરીનું એક વિશેષ મહત્વ હોવાનું જણાવી સંવિધાનમાં દર્શાવેલા કર્તવ્યો, અધિકારો અને સંરક્ષણો સાથે જોડીને આજના દિવસની ઉજવણી કરવી જોઇએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી ૨૬મી જાન્યુઆરીને દેશની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને લોકતંત્રતા પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવી હતી. તેમણે આઝાદ હિંદનુ શમણુ સાકાર કરવામાં ગુજરાત રાજ્ય અને તેમાં પંચમહાલ જિલ્લાનો ફાળો મહત્વનો રહ્યો છે તેમ જણાવી ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમ્યાન વિવિધ ચળવળો અને આંદોલનોમાં પંચમહાલ જિલ્લાના અનેક કાર્યકરોએ જોડાઈને યોગદાન આપ્યું હોવાનું જણાવ્યું હતું.
ઉપાધ્યક્ષશ્રીએ પંચમહાલ જિલ્લાની વાત કરતાં પંચમહાલ’ એટલે ‘પાંચમહાલનો પ્રદેશ’ જણાવી જિલ્લાના ઉદભવ અને ભૌગોલિક વ્યવસ્થાના વિકાસની વાત રજૂ કરી હતી અને પંચમહાલ જિલ્લાને સાહિત્ય,કળા અને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનારા લોક રત્નોને યાદ કર્યા હતા. તેમજ પવિત્ર યાત્રાધામ પાવાગઢ અને પ્રકૃતિના આશિર્વાદથી સંપન્ન પંચમહાલની ભૂમિ અને સંસ્કૃતિ આજે દેશ દુનિયાના ફલક પર પોતાની આગવી ઓળખ સાથે ઝળહળી રહી છે તેમ જણાવ્યું હતું.
ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહિર એ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરનાં નવનિર્માણથી મળેલા પ્રવાસન પ્રોત્સાહન વિશે જણાવી પાવાગઢમાં બે તબક્કામાં ઊભી કરાયેલ સુવિધાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલ વિકાસકાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે પાવાગઢ વડા તળાવ ખાતે ઉજવાતા પંચમહોત્સવને કારણે જિલ્લાને વધુ સારી નામના અને હસ્તકલા ઉદ્યોગ, હોટેલ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રે નવી રોજગારીનું નિમાર્ણ થયું હોવાનું જણાવ્યું હતુ. ચાંપાનેર ખાતે આર્કિયોલોજીકલ પાર્ક, વિવિધ થીમ પાર્ક સાથેનું વિરાસત વન, જેપુરા વન કવચ, પાવાગઢની તળેટીમાં માંડવી ખાતે પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર તથા અન્ય જોવાલાયક સ્થળોમાં ધાબાડુંગરી, કડાડેમ, ધનેશ્વરી, વન્ય પ્રાણી અભયારણ્ય, ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ, ઝંડ હનુમાન મંદિર, હાથણી માતાનો ધોધ, મરડેશ્વર મહાદેવ મંદિર અને ચાંદલગઢ ખોડિયાર માતાનું મંદિર જેવા ધાર્મિક સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે તેમ જણાવ્યું હતું.
તેમણે પંચમહાલ જિલ્લો સુશાસનની શ્રેણીમાં દેશની બેસ્ટ પંચાયત સાથે અગ્રતામાં રહ્યો છે તેમ જાણવી ઓટોમોબાઇલ કે અન્ય ઉદ્યોગ વિકાસ, હસ્તકલા, પ્રવાસન, પ્રાકૃતિક ખેતી અને પશુપાલન, આદિજાતી વિકાસની બાબતોમાં હરણફાળ ભરી રહ્યું છે. તેમણે જિલ્લામાં માળખાગત સવલતો, આરોગ્યની સુવિધાઓ, આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પંચમહાલ જિલ્લો વિકાસની નવી ઉડાન ભરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. .
ઉપાધ્યક્ષશ્રીએ સંવેદનશીલતા, પારદર્શિતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતાના મહત્વપૂર્ણ આધારસ્તંભ પર પંચમહાલ જિલ્લાએ સાતત્યપૂર્ણ અને સર્વસમાવેશક વિકાસ સાધ્યો હોવાનું જાળવ્યું હતું. તેમજ લોકાભિમુખ વહીવટની નેમ સાથે જિલ્લાના જન સામાન્ય સુધી ગુણવત્તાસભર શિક્ષણ, મહત્તમ રોજગારી, નાગરિકલક્ષી સુવિધાઓ, સ્વચ્છતા મિશન, જમીન અંગેના કાયદાઓના સરળીકરણ જેવા અગત્યના કામ પરિપૂર્ણ કરી જિલ્લા વહિવટી તંત્રએ સુશાસનના હેતુઓ સિદ્ધ કર્યા હોવાનું જણાવ્યું હતું.
આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા-તાલુકાની શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં તથા પોલીસ વિભાગની ૧૦ જેટલી પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સરકારી વિભાગ-કચેરીના અધિકારી–કર્મચારીઓનું, રાજય અને જિલ્લા સ્તરે સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરો, બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું અને જિલ્લામાં લોકસેવાના હેતુથી કાર્ય કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયુ હતું. ઉપાધ્યક્ષશ્રીએ અન્ય મહાનુભાવો સાથે કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, લોકસભા સાંસદ રજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, ડી.આર.ડી.એ નિયામકશ્રી ડી.એમ.દેસાઈ, શહેરાના પ્રાંત અધિકારી સહિત જિલ્લાના અગ્રણીઓ, અધિકારી–પદાધિકારીશ્રીઓ, આમંત્રિતશ્રીઓ, જિલ્લા – તાલુકાની વિવિધ શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં શહેરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
*