તા.૭/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ૧૦૮ ની ઓળખ માત્ર ઇમરજન્સી સારવાર પૂરતી જ સીમિત ન રહેતાં પ્રમાણિકતા માટે પણ નેત્રદિપર સાબિત થઇ રહી છે. જેના અસંખ્ય ઉદાહરણ દિન-પ્રતિદિન જોવા મળી રહ્યા છે. જેનો દાખલો તાજેતરમાં કુવાડવા ૧૦૮ ની કર્તવ્યનિષ્ઠ ટીમે પૂરો પાડ્યો છે.
ગત તા. ૦૪-૦૬-૨૦૨૪ ના રોજ પીપળીયા ગામથી રાજકોટ તરફ સગાઈના પ્રસંગમાંથી કાર ચલાવી પરત આવતા ૨૦ વર્ષના વિમલભાઈ ચૌહાણ સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અચાનક કાર પલટી મારી જતાં વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
આ બનાવ અંગે ૧૦૮ ને જાણ કરવામાં આવતા નજીકના સ્થળે ઉપસ્થિત કુવાડવા ૧૦૮ ટીમ રવાના થઈ હતી. સ્થળ પર પહોંચતા ઘાયલ વિમલભાઇ ચૌહાણને તપાસતા તેઓ બેભાન હાલતમાં મળી આવેલ હતા. તેમને માથાના ભાગ તેમજ પગના ભાગ પર ઈજા પહોંચી હતી. ટીમ દ્વારા દર્દીને સ્થળ પર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
દર્દીની ઓળખ માટે ઈ.એમ.ટી. જગદીશભાઈ બાવળીયા અને પાઇલોટ જીતેન્દ્રભાઈ કાગડિયાએ તપાસ કરતાં તેમની પાસેથી ૦૪ મોબાઈલ મળી આવ્યા હતાં. જેમાં વન પ્લસ ૪૫૦૦૦/- એપલ આઇ ફોન ૫૦૦૦૦/-, અને સેમસંગ કંપની ના ૦૨ મોબાઈલ અંદાજિત રૂ. ૫૦૦૦૦/- મળી કુલ અંદાજિત રૂ. ૧.૪૫ લાખનાં મોબાઈલ વિજયભાઈના પરિવારજનોનો સંપર્ક કરી તેમને પરત કરવામાં આવ્યાં હતાં.
કુવાડવા ૧૦૮ લોકેશનની ટીમે પ્રમાણિકતા દર્શાવતા ઘાયલ દર્દીના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ૧૦૮ રાજકોટના પ્રોજ્ક્ટ મેનજરશ્રીએ ટીમની પ્રમાણિકતાને બિરદાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા સેવારત ૧૦૮ સેવા ઘાયલો માટે ઇમરજન્સીમાં થોડી મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગોલ્ડન ટાઈમમાં દર્દીઓના જીવન રક્ષક તરીકેની આગવી ભૂમિકા ભજવી રહી છે.




