
ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં આજે સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ પડીકે બંધાયા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં એક બાદ એક ભૂકંપના આંચકા આવતા અનેક શાળાઓમાં રજા પણ અપાઈ છે.
ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલૉજિકલ રિસર્ચના ડેટા અનુસાર શુક્રવારે સવારથી એક બાદ એક 11 વખત ભૂકંપના આંચકા આવ્યા. સૌથી મોટો આંચકો સવારે 6.19 વાગ્યે અનુભવાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ. તે પછી પણ આશરે એક કલાક સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 9 જાન્યુઆરી બપોરે પોણા 12 વાગ્યા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. આજ સવારે 6થી 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા આવ્યા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27થી 30 કિમી દૂર પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં નોંધાયું છે. કેન્દ્રબિંદુ જમીનમાં 6.1થી 13.6 કિમી અંદર હોવાનું અનુમાન છે. ગઇકાલે રાત્રે 8:43 વાગ્યે પણ 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે સદનસીબે કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. તંત્રએ લોકોને અફવાથી બચવા સલાહ આપી છે.




