રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે લગાવી રોક, 35000 લોકોને 3 મહિનાની રાહત

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે 3 મહિના માટે રોક લગાવી દેતા 35000 લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 27 જાન્યુઆરીએ 1358 પરિવારોને ઘર ખાલી કરી દેવા નોટિસ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે 202ની નોટિસ રદ કરી નથી પણ GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યનલ)માં જવા જણાવ્યું છે જે ટેક્નિકલી રદ ગણી શકાય કારણ કે તેની અમલવારી થશે નહીં એટલે કે આવતીકાલે 3 ફ્રેબુઆરીએ થનારું ડિમોલિશન થશે નહીં.
આ સાથે કોર્ટે અરજદારોને 15 દિવસમાં GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ)માં અપીલ કરી દેવા નિર્દેશ કર્યો છે, સામે GRTને પણ ત્રણ મહિનામાં કેસ ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. હવે 1358 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી શકે છે. જણાવી દઈએ કે આ વિસ્તારમાં અત્યંત ગરીબ અને મજૂરવર્ગના લોકો વસવાટ કરે છે. વર્ષ 2011થી કાર્યરત આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને કારણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે અંદાજિત રૂ. 400 કરોડની 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરી દેવા નોટિસ મોકલી હતી. જેમાં જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારો પરડિમોલિશન કાર્યવાહીનો ખતરો મંડરાયો હતો. અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી.
જંગલેશ્વર સહિતના વિસ્તારમાં 1358 મકાનધારકોને એ મિલકત તેમની હોવાના આધાર-પૂરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી, હિયરિંગમાં રજૂઆતો સાંભળવામાં આવી હતી અને વેરાબિલ, લાઈટબિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા લેવામાં આવ્યા હતા. મોટાભાગના પરિવારોએ મનપાના વેરા બિલ અને પીજીવીસીએલના લાઈટ બિલ રજૂ કર્યા હતા. અમુક લોકોએ બીજા કોઈ પાસેથી મકાન ખરીદ કર્યું હોય, તેના સ્ટેમ્પ પેપર પરના લખાણ રજૂ કર્યા હતા. જે બાદ કલેકટર તરફથી સરકારી જમીન પર ગેરકાયદે રહેતા હોવાની નોટિસ ફટકારી ડિમોલિશન એક્શન લેવાની તજવીજ હાથ ધરાઇ હતી.




