Rajkot: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો રાજકોટ ખાતેથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
તા.૨૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દરેક નાગરિકે લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક પુન:જાગરણનો નવો યુગ શરૂ થયો
રાજ્યમાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા બજેટમા રૂ.૨૩,૩૮૫ કરોડની માતબર રકમ ફાળવાઈ
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મુલાકાત દરમિયાન શ્રીનાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત
થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયેલ આ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવમાં આગામી ૧૦ વર્ષમાં દેશભરમાં ૧ કરોડ જેટલા નિ:શૂલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા સાથે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુન: જાગરણનો નવો યુગ શરૂ થયો છે. શ્રીનાથધામ હવેલીના સપ્તમ્ પાટોત્સવ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આરોગ્ય સેવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે, જે માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે નિરોગી સમાજના નિર્માણને સૌથી વધુ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીની આ નેમમાં ધાર્મિક સંગઠનો, સમાજસેવી સંસ્થાઓ પણ અગ્રીમ યોગદાન આપે છે. થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં એક કરોડ નિ:શૂલ્ક ટેસ્ટની મહત્વની આરોગ્ય સેવાની દિશામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનએ આગવી પહેલ કરી છે.
ત્યારે દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી,દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવિધા સરકાર વિનામૂલ્યે આપે છે. તેમજ આયુર્વેદ પદ્ધતિથી પણ સારવાર માટેના સ્પેશ્યાલીટી ક્લીનિક શરૂ કરાયા છે.
બાળકોના આરોગ્ય સુખાકારી માટે દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન થાય છે. રાજ્યમાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા આ વર્ષના બજેટમાં ૧૬ ટકાનો વધારો કરી રૂ.૨૩,૩૮૫ કરોડની જોગવાઈ કરી છે.
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વડાપ્રધાનશ્રીએ સમાજશક્તિના સામર્થ્યથી દરેક સમાજને સામાજિક જનજાગૃતિના અભિયાનોમાં વધુને વધુ યોગદાન આપવાનું આહવાન કર્યું છે ત્યારે ‘એક પેડ મા કે નામ’, ‘કેચ ધ રેઈન’, ‘સ્વચ્છ ભારત’, મેદસ્વિતા મુક્ત ભારત સહિતના અભિયાનોને સફળ બનાવવા જનભાગીદારી જરૂરી છે ત્યારે ‘સેવા એ જ ભક્તિ, સેવા એ જ સંગઠન’એ ઉદ્દેશ્ય સાથે શ્રી વ્રજરાજકુમારજીના માર્ગદર્શનમાં વી.વાય.ઓ. જેવા સંગઠનો અને સૌ સરકારના પ્રયાસોમાં જોડાઈને રાષ્ટ્રહિત માટે યોગદાન આપીને સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ શક્ય બનશે એવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાના ૦૭ દાતાઓને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. તેમજ શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની વિવિધ શાખાઓમાં ધાર્મિક, સામાજિક અને સેવાકીય જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તમ સેવા આપનારા ૧૦ પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા.
આ અવસરે મેયરશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, પૂર્વ સાંસદશ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મેયર શ્રી ડો. પ્રદીપભાઈ ડવ, અગ્રણીશ્રીઓ ડો. ભરતભાઈ બોઘરા, શ્રી માધવભાઈ દવે, શ્રી લીલુબેન જાદવ, શ્રી ગુણવતંભાઈ ડેલાવાળા, ટ્રસ્ટીઓ શ્રી અશોકભાઈ શાહ, શ્રી મૌલેશભાઈ ઉકાણી સહિતના અગ્રણીઓ તેમજ કલેક્ટરશ્રી પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ, આગેવાનો તથા વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા.