AMRELIBHUJKUTCHRAJKOT

સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને નલીયા જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાન 16 ડિગ્રી કરતા ઓછું નોંધાય છે. ત્યારે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. રાતે અને સવારના સમય દરમિયાન ભેજમાં ઘટાડાને કારણે પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો શિયાળાની શરૂઆત દર્શાવે છે. તાપમાનનો પારો સતત ગગડતા કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ દેખાઈ રહ્યો છે.

રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી જ્યાં પડે છે તેવા કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડા સ્થળમાં મોખરે આવે છે. માહિતી પ્રમાણે, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું. જયારે ભુજ શહેરમાં પણ 14.3 ડિગ્રી તાપમાનમાં લોકો ઠુંઠવાયા.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં તો તાપમાન વધુ નીચે જઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં શિયાળો વધુ તીવ્ર અને લાંબો રહેવાની શક્યતા છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ઠંડીનો પ્રકોપ સતત વધશે અને 22 ડિસેમ્બર બાદ તો લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ પણ થશે.

દેશમાં શિયાળાની વાત કરીએ તો આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં બેથી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણા સહિતના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4-7 ડિગ્રી ઓછું રહેશે. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ કપડાં પહેરવા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

Back to top button
error: Content is protected !!