
જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને આખરે ભાન આવ્યું છે. વીરપુરમાં જલારામ બાપાના મંદિરે પહોંચીને સ્વામીએ આખરે માફી માગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદિત ટિપ્પ્ણી બાદ રઘુવંશી સમાજ અને બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામી જલારામ બાપાનાં મંદિરે આવી માફી માગે તેવી માગ ઊઠી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીરપુરમાં જલારામ બાપાનાં મંદિરે આવીને સ્વામી દંડવત કરીને માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વીરપુરમાં સ્વામીનાં વિરોધમાં રઘુવંશી સમાજ અને બાપાનાં ભક્તો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને એક દિવસ સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું.
જો કે, વિવાદ વધતા આજે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાનાં મંદિરે પહોંચ્યા હતા. નંબર પ્લેટ વિનાની બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર આવ્યા હતા. સ્વામીને વીરપુરમાં પાછળની જગ્યાથી જલારામ બાપા મંદિરે લઈ જવાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી જેવામાં આવ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાનાં મંદિરે માફી માગી હતી. જો કે, આ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામી મીડિયાને જવાબ આપવાથી બચ્યાં હતા. નોંધનીય છે કે, અગાઉ પણ સ્વામીએ વીડિયો બનાવીને માફી માગી હતી. પરંતુ, બાપાનાં ભક્તોમાં રોષ યથાવત જોવા મળ્યો હતો.




