ગુજરાતમાં “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યભરમાં પત્રકારો માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો શુભારંભ અમદાવાદથી 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો.
આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ પત્રકારોના આરોગ્ય જાળવવું અને સમાજના હિતમાં કામ કરતા આ વર્ગને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનું છે. માહિતી વિભાગના માર્ગદર્શન હેઠળ 15 ઓક્ટોબરથી 19 ડિસેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લા મથકો ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા, જેમાં 1,532 પત્રકારોનું ચકાસણી કરાઈ હતી.
કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી સહિતના પ્રાથમિક પરીક્ષણો નિઃશુલ્ક કરવામાં આવ્યા. વિટામિન D, વિટામિન B12, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ માટે વિશેષ પરીક્ષણો પણ હાથ ધરાયા હતા. સાથે જ, પત્રકારોને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગુજરાત રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ અજય પટેલે જણાવ્યું કે પત્રકારોનો તંદુરસ્ત જીવન જળવાઈ રહે તે માટે રેડક્રોસ કટિબધ્ધ છે. આ કેમ્પોએ અનેક પત્રકારોને ભવિષ્યમાં ગંભીર રોગોથી બચાવવામાં મદદરૂપ થઈ છે.
રાજ્યભરના પત્રકારોએ આ અભિયાનને બિરદાવતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પત્રકારોની સ્વાસ્થ્ય જાળવણી માટે લેવામાં આવેલી આ પહેલ પ્રશંસાપાત્ર છે. માહિતી અને પ્રસારણ વિભાગે આ અભિયાનના સફળ આયોજન માટે રેડક્રોસ સોસાયટીનો આભાર માન્યો.
રાજ્ય સરકારનું આ અભિયાન માત્ર પત્રકારો માટે નહીં, પરંતુ સામાજિક તંદુરસ્તી માટે ઉદ્દીપક બની રહ્યું છે.