
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલી ભેંસકાત્રી આશ્રમ શાળામાં વઘઈ પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીના માર્ગદર્શન હેઠળ સી-ટીમ દ્વારા બાળકો માટે વિશેષ અવેરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં વઘઈ પોલિસ સ્ટેશનની ટીમ, કાલીબેલ પોસ્ટની ટીમ, ભેંસકાત્રી તથા કાકરદા ગામના સરપંચો, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ, શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રોગ્રામ દરમિયાન પોલિસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ બાળકોને સુરક્ષા, સાવચેતી, સ્વરક્ષા અને બાળકોની સુરક્ષા સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સી-ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ગુડ ટચ – બેડ ટચ, બાળ અધિકાર, તેમજ બાળકોને લગતા મહત્વપૂર્ણ કાયદાઓ અંગે સરળ અને સમજણપૂર્વક માર્ગદર્શન અપાયું હતું.બાળકો માટે અત્યંત જાગૃતિસભર રહેલા આ કાર્યક્રમને શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે કાર્યક્રમમાં ખાસ કરીને એક દિવસ પૂર્વે ત્રણ છોકરીઓ આશ્રમમાંથી કર્મચારીને જાણ કર્યા વગર અંધારાનો લાભ લઈ બહાર નીકળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપભેર તપાસ હાથ ધરી, અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય છોકરીઓને તાપીના બુહારી વિસ્તારમાં સલામત મળી લાવી હતી.આ ઝડપી અને અસરકારક કામગીરી બદલ કાર્યક્રમ સ્થળે પીઆઈ વિરલ ગઢવી તથા ટીમને શાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.અંતે શાળાના આચાર્ય પંકજભાઈ પટેલે તમામ મહેમાનો તથા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિની જાહેરાત કરી હતી.આ કાર્યક્રમમાં વઘઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ આર મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશ ભાઈ,રમણીક ભાઈ, વિજયસિંહ, કમલેશભાઈ, કોમલબેન,વસંત બેન,સહિત શાળાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





