Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નારી સંમેલન યોજાયું

તા.૭/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્ર સરકારનું બજેટ મહિલાઓને સમૃદ્ધિ, સુરક્ષા અને સ્વાભિમાન આપનારું બજેટ:- મંત્રીશ્રી રિવાબા જાડેજા
Rajkot: શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નારી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મંત્રીશ્રીએ કેન્દ્રીય બજેટની સરાહના કરી હતી.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૫૩.૫ લાખ કરોડનું બજેટ દેશને નવી ઊંચાઈ આપશે. આ બજેટ શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, નારી શક્તિ , રોજગાર, મધ્યમ વર્ગ, શ્રમિકો, ખેડૂતો અને પશુપાલકો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગ સાહસિકો, યુવા શક્તિ, રમત ગમત સહિત તમામ ક્ષેત્રને આવરી લેતું વિકસિત ભારતનો સંકલ્પ કરતું બજેટ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.
ઓડિટોરિયમમાં ઉપસ્થિત નારી શક્તિને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણામંત્રીશ્રી નિર્મલા સિતારામન સતત ૯મી વખત બજેટ રજૂ કરી દેશની નારી શક્તિ માટે પ્રેરણારૂપ બન્યા છે.
મંત્રીશ્રીએ વિશેષમાં કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીયુક્ત હથિયારોથી સજ્જ સૈન્ય શક્તિ ભારતની ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. મેક ઇન ઇન્ડિયા અને લોકલ ટુ ગ્લોબલ સૂત્રને સાર્થક કરતું આ બજેટ ગ્રામીણ અને શહેરી અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી કરતુ બજેટ મહેનતુ મધ્યમ વર્ગીય પરિવારોને રાહત આપતુ બજેટ છે.
શિક્ષણ થકી બાળકનું ભવિષ્ય ઘડતર તથા તેમના સ્વપ્નને પાંખો મળે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ફાળવેલ માતબર રકમથી આધુનિક વર્ગખંડોનાં સ્માર્ટ ક્લાસ વધુ સ્માર્ટ બનશે. શિક્ષણ ફક્ત ડિગ્રી પૂરતું જ નહીં પરંતુ રોજગાર લક્ષી શિક્ષણ આપવા સરકારની કટિબદ્ધતાની તેમણે સરાહના કરી હતી.
તેમણે વિશેષમાં કહ્યું હતું કે, મહિલા સશક્તિકરણ સંદેશો નથી પણ ગાઢ પ્રતિબદ્ધતા છે. મહિલા હવે નેતૃત્વ આપનાર ભાગીદાર બની છે. મહિલા શક્તિને લખપતિ દીદી બનાવવા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અપીલ કરી હતી.
આ ઉપરાંત ખેતી અને પશુપાલન, રમતગમત, યુવા શક્તિ, મહિલા સશક્તિકરણ સહિત તમામ વર્ગને આવરીલેતા બજેટની સરાહના કરી હતી.
કેન્દ્ર સરકારનું રજુ થયેલું બજેટ મહિલાઓને સમૃદ્ધિ, સુરક્ષા અને સ્વાભિમાન આપનારું બજેટ છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કરી બતાવ્યું છે કે, મહિલા સશક્તિકરણ એક નારો નહીં પણ દેશના વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે, એક મહિલા જ્યારે પ્રગતિ કરે ત્યારે આખો સમાજ તેની સાથે પ્રગતિની રાહ પર આગળ વધતો હોય છે. દરેક મહિલાના હુન્નરને યોગ્ય માર્કેટ મળે અને તેનું હુન્નર લોકલથી લઈને ગ્લોબલ સુધી વિસ્તરે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ સહાય પૂરી પાડે છે.
આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રી અંજલીબેન રૂપાણી, શ્રી માધવભાઈ દવે, શ્રી અંજુબેન વેકરીયા, શ્રી અરુણાબેન, શ્રી નીપાબેન, શ્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા સહિતની મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.









