RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાતને ગૌરવાન્વિત કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ, સિવિલના ઓર્થોપેડિક સર્જનોએ ખભાના સાંધાની અત્યંત જટિલ ‘રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી’ સર્જરી કરી ઇતિહાસ રચ્યો

તા.૬/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વિશેષ અહેવાલ – પ્રિયંકા પરમાર & રાજકુમાર

‘ચારકોટ શોલ્ડર’ બીમારીથી સુષુપ્ત થઈ ગયેલા ખભાના ગોળાને રિસરફેઇસ સર્જરી દ્વારા પુનઃજીવિત કરાયો

ઓર્થોપેડિક વિભાગમાં વર્ષે ૧૦ હજાર જેટલી ટ્રોમા અને રિપ્લેસમેન્ટ સર્જરી

Rajkot: આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની યશ કલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરતી વિરલ સર્જરી રાજકોટ સિવિલના ઓર્થપેડીક સર્જનોએ કરી ઇતિહાસ રચ્યો છે. જેમાં સુષુપ્ત થઈ ગયેલા ખભાના સાંધાના ગોળાને બેસાડવા અત્યંત જટિલ એવી ‘રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટી સર્જરી’ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) સૌપ્રથમવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જનોએ સફળતાપૂર્વક પાર પાડી છે.

આ કેસ અંગે વિગતે વાત કરતા ડો. જય તુરખીયા જણાવે છે કે, અહીં આશરે બે માસ પહેલાં ૫૦ વર્ષીય મહિલા દર્દી મંજુલાબેન ડાંગર તેમના ખભાની તકલીફને લઈ દેખાડવા આવેલા. ત્યારે તેમનો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયો હતો. જમણા હાથ વડે તેઓ કોઈ કામ કરી શકતા નહોતા. વધુ નિદાન બાદ ખ્યાલ આવ્યો કે તેમણે જવલ્લે જોવા મળતી ‘ચારકોટ શોલ્ડર’ નામની બીમારી થયેલી છે, જેમાં તેઓના ખભાની લોહીની નસો સુકાવા ઉપરાંત, ચેતા તંત્ર નિષ્ક્રિય થઈ ગયું હતું, તેમજ બંને ગોળાની સરફેસ સાવ ઘસાઈને ડી-લોકેટ થઈ ગઇ હતી. આ કિસ્સામાં માત્ર નવો ગોળો નાખવાથી હાથ કાર્યરત થઈ શકે તેમ નહોતો. ગોળાને બેસાડવા ખાસ સર્જરી કરી તેઓના જોઈન્ટ થતા હાડકાંના અંતર્ગોળ ભાગ અને બહિર્ગોળ ભાગને રીવર્સ પ્રોસેસથી ઊલટાવવો પડે તેમ હતો. અહીં હાડકું પણ શિથિલ અવસ્થામાં હોઈ, સર્જરી બાદ સ્ક્રુ ફિટ કરવામાં પણ તકેદારી રાખવી પડે તેમ હતી.

ખભાના ગોળાને બદલવાની વિશિષ્ટ સર્જરીની સૌ પ્રથમ ઘટના

સ્પાઈનમાં બબલ થવાના કારણે મહિલાને ‘ચારકોટ શોલ્ડર’ નામનો રોગ થયેલો હોઈ આ અવસ્થામાં નવો ગોળો ફિટ કરવો અને નિષ્ક્રિય ધમની અને ચેતાને પુનઃ કાર્યાન્વિત કરવા અત્યંત જટિલ રિવર્સ શોલ્ડર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ) કરવાનો અમારાં માટે પ્રથમ કેસ હોઈ ખુબ ચેલેંજીંગ ટાસ્ક કરવા અમે નિર્ણય કર્યો હોવાનું ડો. જય જણાવે છે.

આ સર્જરીની ટેક્નિકલ માહિતી આપતાં તેઓ જણાવે છે કે, ખભાનો સાંધો ત્રણ હાડકાંથી બનેલો હોય છે. હાંસડી (કોલરબોન), સ્કેપ્યુલા (ખભાનું બ્લેડ), અને હ્યુમરસ (હાથની ઉપરનું હાડકું). આ ત્રણેયના યોગ્ય સંચાલનથી હાથ ખભેથી ૩૬૦ ડીગ્રીએ મુવમેન્ટ કરવાનું કામ કરે છે. આ કેસમાં મૂળ ગોળો અને તેનાં સપોર્ટિંગ ગોળો, બંનેની સપાટી ઘસાઈ ગઇ હતી. નવો ગોળો મુકવા માટે બહિર્ગોળ ગોળાને અંતર્ગોળમાં અને અંર્તગોળ ગોળાને બહિર્ગોળ ગોળામાં કન્વર્ટ કરવો પડે તે રીતે રિવર્સ પ્રોસેસ થકી સરફેસ તૈયાર કરવાની હતી. વળી આ ગોળો માત્ર અમેરિકા અને જર્મની જેવા દેશમાં જ બનતો હોઈ ત્યાંથી ઈમ્પોર્ટ કરવો પડે તેમ હતો. જેના માટે સરકાર દ્વારા મદદ મળતાં વેંત જ ઓપરેશન કરવાની પ્રક્રિયા આગળ ધપાવી મહિલાના ખભાના ગોળાની સર્જરીનું બીડું રાજકોટ સિવિલ ઓર્થોપેડિક ટીમે ઉઠાવ્યું.

સર્જરીની વિશેષ તૈયારી

‘‘અત્યંત જટિલ સર્જરી માટે સૌપ્રથમ અમે જરૂરી રિસર્ચ કર્યું, તે માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાયા. ટેક્નિકલ અને નર્સિંગ ટીમને ખાસ ટ્રેનિંગ આપી. ત્યારબાદ મહિલા દર્દીને પણ માનસિક રીતે તૈયાર કરવામાં આવ્યાં. જો આ સર્જરીમાં ચૂક થાય તો હંમેશને માટે હાથ ગુમાવવાની ઘડી આવે તે ધ્યાને રાખી અમે દર્દીનું ઓપરેશન સાડા ચાર કલાકની મહેનત સાથે પાર પાડ્યું. હાલ દર્દીના હાથની સ્થિતિ સારી છે અને ટુક સમયમાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે’’ તેમ ડો. જય જણાવે છે. જો કે હજુ તેઓને ફિઝ્યોથેરાપીસ્ટની મદદથી હાથની કસરત કરી ક્ષમતા પુનઃ પ્રસ્થાપિત કરતાં જરૂરી સમય લાગશે.

“પી.એમ.જે.એ.વાય.–મા” યોજનાના નોડલ ઓફિસર ડો. મહેન્દ્ર ચાવડા જણાવે છે કે, આ દર્દીના કિસ્સામાં સર્જરી માટે જરૂરી સાંધાનો ગોળો બહારથી મંગાવવામાં આવ્યો હતો. જેની કિંમત આશરે ૧.૭૦ લાખ જેટલી હોઈ ‘‘આયુષ્માન યોજના’’ હેઠળ રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં મંજુરી આપી હતી. સાથોસાથ પાંચ લાખથી વધુના ખર્ચે આ યોજના હેઠળ તેઓની સફળ સર્જરી હાથ ધરાઈ હતી.

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ સિવિલ ખાતે વિશિષ્ટ સર્જરીની પહેલ બદલ ટીમને બિરદાવી અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ‘‘ઓર્થોપેડિક વિભાગની ટીમે અત્યંત જટિલ સર્જરી સફળતા સાથે મહિલા દર્દીને તેનો હાથ પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર-સર્જરી દ્વારા ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડે છે.’’

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જરૂરિયાતમંદ લોકો માટે સારવારની ગેરેન્ટી સમાન ‘‘આયુષ્માન ભારત યોજના’’નો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના લોકોને સુપેરે લાભ મળી રહ્યો છે. જેના પરિણામે સિવિલ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને આરોગ્યલક્ષી સારવારમાં આર્થિક સધિયારારૂપી પ્રાણવાયુ મળી રહે છે

 

સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કરાયેલી ૧૦ હજાર જેટલી સર્જરી

રાજકોટ સિવિલ સ્થિત ટ્રોમા અને ઓર્થોપેડિક વિભાગમાં એક્સ-રે, એમ.આર.આઈ. સહિતની સુવિધા ઉપલબ્ધ છે. અહીં કુલ પાંચ ઓપરેશન થીએટર અને ૪ આઈ.સી.સી.યુ, ૩ આઈ.સી.યુ. ઉપરાંત કુલ ૧૬૦ બેડ ઉપલબ્ધ છે. અહીં રોજની ત્રણથી વધુ ઇમર્જન્સી ઉપરાંત સરેરાશ ૩૦ જેટલા મેજર અને માઇનોર ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ટ્રોમા ઉપરાંત ‘ની’ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, કરોડરજ્જુ, દુરબીનથી ઓપરેશન કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને આ તમામ સુવિધા નિઃશુલ્ક મળતી હોવાનું ડો. નિકુંજ મારુ જણાવે છે.

ઓર્થોપેડિક ટીમના હેડ ડો. શૈલેષ રામાવત સહિત અહીં કુલ ત્રણ વિભાગના હેડ ડોક્ટર્સની ટીમ હેઠળ ૩ આસિસ્ટન્ટ પ્રોફેસર, ૧૦ સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ, ૨૪ રેસિડેન્ટ ડોક્ટર્સ, ૨૫ જેટલો નર્સિંગ સ્ટાફ અને અન્ય ૨૫ સહાયક મળીને વર્ષ ૨૦૨૪-૨૫ માં 3 હજાર મેજર અને ૬,૩૦૦ જેટલી માઈનર સર્જરી હાથ ધરવામાં આવી છે.

 

સિવિલ હોસ્પિટલનાં કારણે મારો હાથ ફરી સક્રિય બન્યો, દર્દીશ્રી મંજુલાબહેન ડાંગર

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સનો અંત:કરણથી આભાર માનતાં દર્દીશ્રી મંજુલાબહેન ડાંગરે ભાવવિભોર થતાં જણાવ્યું હતું કે, “ છેલ્લાં એક-બે વર્ષથી મેં ખભાનાં દુ:ખાવાના ઈલાજ માટે ન જાણે કેટલી હોસ્પિટલમાં ધક્કા ખાધા હતા. બીમારીના કારણે મારો જમણો હાથ રોજિંદુ કામ કરવા માટે સાવ નિષ્ક્રિય થઈ ગયો હતો, જેના કારણે મને ઘણી તકલીફ પડતી હતી. તમામ નિરાશાઓ વચ્ચે, અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારી બીમારીનું સચોટ નિદાન થતાં મારા ખભાની સફળ સર્જરી થઈ છે અને મારો નિષ્ક્રિય હાથ ફરી સક્રિય બન્યો છે.’’

મંજુલાબહેને રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે, “ અમે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવી છીએ. મારા પતિ રીક્ષા ચલાવે છે. મારી ૧૩ વર્ષની દીકરી છે, ત્યારે ઘરની જવાબદારી વચ્ચે સર્જરીના પૈસા કેવી રીતે એકઠાં કરશું તેની ચિંતા કોરી ખાતી હતી. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના કારણે એકપણ રૂપિયો ખર્ચ્યા વિના મારી સર્જરી થઈ છે. અહીંના સ્ટાફે મારું ખૂબ ધ્યાન રાખ્યું છે અને મારા પરિવારની હિંમત વધારી છે. ભગવાન તેમનું ભલું કરે.’’

 

પી.એમ.જે.વાય કાર્ડ ધરાવતાં દર્દીઓઓ માટે ગ્રીન ઝોનની સુવિધા

લાઈનમાં ઊભા રહ્યા વિનાં દર્દીઓ સંલગ્ન ડોકટર પાસેથી મેળવી શકશે ત્વરીત સારવાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પી.એમ.જે.વાય કાર્ડ વિભાગના નોડલ ઓફિસર ડો.મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડધારક માટે ખાસ ગ્રીન ઝોનની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત દર્દીએ કેસ બારી ખાતે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. કાર્ડ બતાવવાની સાથે જ તેઓને ગ્રીન ફાઈલ આપવામાં આવશે. ગ્રીન ફાઈલ મળતાં જ દર્દી ઓ.પી.ડી વિભાગની લાઈનમાં પણ ઊભા રહ્યા વિના સંલગ્ન ડોક્ટર્સ પાસે પોતાની સારવાર અને જરૂરી માર્ગદર્શન માટે સીધા મળી શકશે. આમ રાજ્ય સરકાર અને રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ.જે.વાય કાર્ડ ધરાવતાં દર્દીઓની સચોટ અને ઝડપી સારવાર કરવા માટે કટિબધ્ધ છે.

Back to top button
error: Content is protected !!