Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તીર્ણ થયેલ સફાઈ કામદારોના બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી પ્રોત્સાહિત કરાશે

તા.૨૧/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયેલાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં ધોરણ ૧૦માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૪૧,૦૦૦, રૂ.૨૧,૦૦૦ અને રૂ.૧૧૦૦૦ આપવામાં આવશે. ઉપરાંત ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૩૧,૦૦૦, રૂ.૨૧,૦૦૦ અને રૂ.૧૧૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ માર્ચ/એપ્રિલ – વર્ષ ૨૦૨૪ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અરજદારે તા. ૧૫ જુલાઈ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે નાયબ નિયામકશ્રી અનુજાતિ કલ્યાણ કચેરી ૬/૧ બહુમાળી ભવન, રેસકોર્ષ પાસે રાજકોટનો સંપર્ક સાધવાનો રહેશે.


