Rajkot: જસદણ-ગોંડલ તાલુકાને રૂ. ૩૧૫ લાખના ‘સુવિધાપથ’ની ભેટ : મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિવિધ વિકાસ રોડનું ભૂમિપૂજન

તા.૧૯/૩/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી દરેક નાગરિકની છે : લોકભાગીદારી પર ભાર મૂકતા મંત્રીશ્રી
Rajkot: ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આજે જસદણ અને ગોંડલ તાલુકામાં રૂ. ૩૧૫ લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ ‘સુવિધાપથ’ના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મંત્રીશ્રીએ જસદણ તાલુકાના રાણપરડા ગામ ખાતે રૂ. ૬૦ લાખના ખર્ચે બનનારા રાણપરડા-દેવળીયા રોડ, દોલતપર ગામ ખાતે રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા દોલતપર-સાણથલી રોડ, રૂ. ૧૫૦ લાખના ખર્ચે તૈયાર થનારા બળધોઈ-મોટા દડવા રોડ અને રૂ. ૪૫ લાખના ખર્ચે બનનારા સ્ટેટ હાઈવેથી બળધોઈ રોડનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ચૈત્રી નવરાત્રિના પવિત્ર અવસરે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જસદણ-વિંછીયા વિધાનસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. જસદણ-વિંછીયા પંથકમાં મોટાભાગના રસ્તાઓના કામો પૂર્ણ થઈ ગયા છે અને જે કામો હાલ પ્રગતિમાં છે, તેને ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવાનું સરકારનું આયોજન છે.
વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે સરકારે ગ્રામીણ વિસ્તારમાં પાયાની તમામ સુવિધાઓ પહોંચાડવા તેમજ છેવાડાના માનવી, ખેડૂતો અને જરૂરિયાતમંદ લોકોની ચિંતા કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડવા અનેક યોજનાઓ અમલી કરી છે. ત્યારે સરકારના પ્રયાસોની સાથે ગામલોકો પણ વિકાસના કાર્યોમાં સહિયારી રીતે સક્રિય બને, તે જરૂરી છે. ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી દરેક નાગરિકની છે, તેમ જણાવી તેમણે લોકભાગીદારી પર ભાર મૂક્યો હતો. આમ, સરકારના સતત પ્રયત્નો અને સ્થાનિકોના સહકારથી આ વિસ્તારનો વધુ ઝડપથી અને સર્વગ્રાહી વિકાસ થાય, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમોમાં મદદનીશ ઇજનેર શ્રી સંજયસિંહ ઝાલાએ શાબ્દિક સ્વાગત કરવાની સાથે સુવિધાપથની ટેકનિકલ વિગતો પૂરી પાડી હતી. અગ્રણીઓ શ્રી રમેશભાઈ વેકરીયા, શ્રી વિનુભાઈ ધડક અને મોટા દડવા ગામના સરપંચ શ્રી ભૂપતભાઈ વાળાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકાર દ્વારા આપવામાં આવેલી વિકાસ કાર્યોની ભેટ બદલ ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મોટા દડવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે બે લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના હુકમો અપાયા હતા. આ તકે રાણપરડાના સરપંચ શ્રી સુરેશભાઈ પરવાડીયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ વાઘેલા, અગ્રણી શ્રી ચંકિતભાઈ રામાણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









