રાજકોટ મનપા દ્વારા આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું

રાજકોટ મનપા દ્વારા આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. કુલ 1489 મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવશે. જેમાં આજી નદીના પટના 992 અને જંગલેશ્વરના 15 મીટર રોડ પરના 497 દબાણોનો સમાવેશ થાય છે.આ કામગીરી અંદાજે 2 દિવસ સુધી સતત ચાલશે. અગાઉ રવિવાર રાત સુધીમાં મકાનો ખાલી કરવા સૂચના અપાઈ હતી.
રાજકોટ (Rajkot) ના જંગલેશ્વર અને આજી નદીના પટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મનપા દ્વારા 64 જેસીબી અને 260 જેટલી મશીનરીની મદદથી 1489 કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની કામગારી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસ કમિશનર ના સુપર વિઝન હેઠળ 1000 થી વધુ પોલીસ જવાનો અને SRPની 11 ટીમોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે, જ્યારે અવરોધ પેદા કરનારા 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, ઘર વિહોણા થયેલા સ્થાનિક પરિવારો અને મહિલાઓની રોકકળને કારણે વાતાવરણ ગમગીન બન્યું છે.
રાજકોટમાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મોટી દુર્ઘટના ટળી છે. બાંધકામ દૂર કરતા સમયે અચાનક મકાન એક સાથે ધરાશાઈ થયું હતું. મકાન ધરાશાઈ થતા JCB પર કાટમાળ પડ્યો હતો. આ ઘટનાને પગલે RMC ના કર્મચારીઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
જંગલેશ્વર વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂના શિવ મંદિરનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ગંગેશ્વર મહાદેવ મંદિર વિસ્થાપિત કરવામાં આવ્યું છે. ડિમોલેશન પહેલા શહેર પોલીસ દ્વારા હિન્દુ વિધિ પ્રમાણે વિસ્થાપન કરવામાં આવ્યું આ ઉપરાંત કુલ 14 જેટલા ધાર્મિક સ્થળોનું વિસ્થાપન કરવામાં આવ્યું છે.
જંગલેશ્વર પર રેપ સોંગ બનાવનાર ચાંદમીયાની પોલીસે કરી અટકાયત કરી છે. વીડિયો વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે કલાકાર ચાંદમીયાની કુંડળી કાઢી હતી અને ચાંદમીયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિભસ્ત ગાળો બોલતી રીલ જોવા મળતા પોલીસે કાર્યવાહી કરી છે. જંગલેશ્વર વિસ્તારના ચાંદમીયા એ લોકોની વ્યથાને પોતાના રૈપ સોંગમાં ઠાલવી સરકારને આડેહાથ લીધી હતી.
પોતાના આશિયાના છીનવાતા સ્થાનિક મહિલાઓ રડી પડી હતી અને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસ (ઘરના બદલે ઘર) ફાળવ્યા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી છે.”અમે ક્યાંયના ન રહ્યા” તેવા આક્રંદ સાથે મહિલાઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.







