Rajkot: પોષણનો સાથ, ટી.બી. પર ઘાત ક્ષયના દર્દીઓનો આર્થિક આધાર બનતી ‘નિક્ષય પોષણ સહાય યોજના’

તા.૨૨/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
છેલ્લાં ૦૬ માસમાં રાજકોટ ગ્રામ્યના ૭૮૧ દર્દીઓને રૂ. ૩૪.૮૩ લાખની સહાય
‘નિક્ષય પોષણ સહાય યોજના’ ક્ષયમુક્ત ભારતની દિશામાં મહત્વપૂર્ણ પગલું
દર્દીઓના બેન્ક ખાતામાં દર મહિને સીધા જમા થતાં રૂ. દર્દીઓને પોષણયુક્ત આહાર લઈને શારીરિક ક્ષમતા વધારવામાં મદદરુપ
આલેખન : માર્ગી મહેતા
Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે, ક્ષયમુક્ત ભારતનું. આ સ્વપ્નને વાસ્તવિકતા બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે વર્ષ ૨૦૧૮થી ‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ આદર્યું છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૫ પૂર્ણ થાય, ત્યાં સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર ટી.બી. (ટ્યુબરક્લોસીસ)ને દૂર કરવા માટે નથી, પરંતુ ક્ષયના દર્દીઓને પોષણક્ષમ આહાર આપીને તેમને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન પણ છે. આ બાબતને ધ્યાને રાખીને અમલમાં મૂકાયેલી છે, નિક્ષય પોષણ સહાય યોજના; જે ટી.બી.ના દર્દીઓને આર્થિક સહાય કરીને ઝડપથી સાજા કરવામાં મદદરૂપ બની રહી છે.
ભારત સરકાર દ્વારા ટી.બી. સામે ઝઝૂમી રહેલાં દર્દીઓને નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર મહિને રૂ. ૧૦૦૦ની આર્થિક સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાય માત્ર નાણાકીય ટેકો નથી, પરંતુ દર્દીઓને પોષણયુક્ત આહાર મેળવવાનું જરૂરી સાધન પણ ગણાવી શકાય; જે દર્દીની શારીરિક ક્ષમતા વધારવામાં સહાયરૂપ બને છે. ટી.બી.ની સારવાર લાંબી અને થકવી દેનારી હોય છે. ત્યારે પૂરતાં પ્રમાણમાં પોષણ ના મળે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એવામાં નિક્ષય પોષણ યોજના, ઓછાં પોષણની નબળી કડીને મજબૂત બનાવે છે અને દર્દીઓને સુપોષિત કરીને ક્ષય સામે લડવા માટે તાકાત આપે છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં વ્યાપક પ્રમાણમાં દર્દીઓએ પોષણયુક્ત આહાર લેવા માટે નિક્ષય પોષણ સહાય યોજના અન્વયે લાભ મેળવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અંતર્ગત રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. ઘનશ્યામ મહેતાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી જૂન સુધી એમ છેલ્લાં ૦૬ માસ દરમિયાન કુલ ૭૮૧ દર્દીઓનાં બેન્ક ખાતામાં કુલ રૂ. ૩૪.૮૩ લાખ જમા થયા છે. આ આંકડો દર્શાવે છે કે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ક્ષયમુક્ત ભારતના ધ્યેયને પૂર્ણ કરવામાં સક્રિય યોગદાન આપી રહ્યું છે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ‘નિક્ષય પોષણ સહાય યોજના’ હેઠળ ભૂતકાળમાં દર્દીઓને સારવાર દરમિયાન માસિક રૂ. ૫૦૦ની સહાય અપાતી હતી, જે આર્થિક સહાય ગત નવેમ્બર, ૨૦૨૪થી રૂ. ૧,૦૦૦ એટલે કે બમણી કરવામાં આવી છે. આ પ્રયાસો થકી સરકારનો ઉદ્દેશ ક્ષયગ્રસ્ત દર્દીઓને તંદુરસ્ત જીવનશૈલી અને પૂરતું પોષણ મળી રહે, તેની ખાતરી કરવાનો છે. આમ, આ યોજના એ ક્ષયમુક્ત ભારતની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે દર્દીઓને સારવાર દરમિયાન શક્તિ અને સહાય તો પૂરી પાડે જ છે, સાથોસાથ ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના સૂત્રને સાર્થક કરવામાં પણ ભૂમિકા ભજવે છે.
લોકભાગીદારીથી ક્ષય નાબૂદી
ડબલ એન્જિન સરકાર ક્ષયને જડમૂળથી નાબૂદ કરવા તો અવિરત પ્રયાસો કરી જ રહી છે, પણ આવશ્યકતા છે લોકભાગીદારીની. જેના માટે સેવાભાવી માનવીઓ અને સામાજિક સંસ્થાઓએ દર્દીઓને પોષણ કીટ આપવા આગળ આવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સરકારી ક્ષય નિવારણ કેન્દ્રોમાં ક્ષયનું નિદાન અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. આથી, લોકો ક્ષયના લક્ષણો જણાય તો ખચકાટ વિના તુરંત આરોગ્ય તપાસ કરાવે, તે જરૂરી છે. સમયસર અને નિયમિત સારવારથી ટી.બી. ચોક્કસપણે મટી શકે છે. ત્યારે આપણે સહિયારા પ્રયાસોથી ક્ષયમુક્ત ભારતનું નિર્માણ કરીએ અને ક્ષયના દર્દીઓ પ્રત્યે ઉમદા અભિગમ દાખવીએ.






