Rajkot: રાજકોટ મહાનગર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદની ચેતવણી વચ્ચે લોકોને સહાયરૂપ થવા દરેક મંત્રીને બે-બે જિલ્લા ફાળવ્યા અને જિલ્લામાં જ રહેવા સૂચના આપી છે
રાજકોટમાં ડિઝાસ્ટર તંત્રે કરેલી આગોતરી તૈયારીઓના કારણે વરસાદ વચ્ચે નહિવત નુકસાન
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં તણાઈ જવાથી બે વ્યક્તિનાં મોત, ત્રણ પશુનાં મૃત્યુ
જિલ્લાના ૨૬માંથી ૨૫ ડેમો ૧૦૦ ટકા ભરાઈને ઓવર ફ્લો
Rajkot: રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા રાજકોટના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં અતિવૃષ્ટિ સંદર્ભે ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદની ચેતવણી વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોને મદદરૂપ થવા માટે દરેક મંત્રીને બે-બે જિલ્લા ફાળવ્યા છે અને આ જિલ્લાઓમાં જ રહેવા માટે સૂચના આપી છે. ઉપરાંત પ્રભારી સચિવશ્રીને પણ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં મૂકવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તેમજ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર તંત્ર પાસેથી વિગતો જાણ્યા બાદ મંત્રી શ્રી રાઘવજીભાઈએ કહ્યું હતું કે, ડિઝાસ્ટર તંત્રની આગોતરી તૈયારીના કારણે બે દિવસના ભારે વરસાદ છતાં લગભગ નહિવત નુકસાની થઈ છે. જેના કારણે તંત્રના અધિકારીઓ તેમજ આપદા વચ્ચે લોકોને ભોજન પહોંચાડનારી સમાજસેવી સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ જિલ્લાના ડિઝાસ્ટર તંત્રએ કરેલી કામગીરીની વિગતો રજૂ કરતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની એક કોલમ, એસ.ડી.આર.એફ.ની બે કંપની, ગોંડલ એસ.આર.પી.ની એક કંપની તથા નગર પાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમ છે. જિલ્લામાં હાલમાં ૧૧ ફીડર બંધ છે. જિલ્લામાં ડેમના પાણી છોડવાની સ્થિતિના કારણે ચાર ગામ અત્યારે સંપર્ક વિહોણા છે. જિલ્લામાં ત્રણ પશુ મૃત્યુ થયા છે તથા બે માનવ મૃત્યુ થયા છે. હાલમાં એક ઘટનામાં પાણીમાં તણાયેલા ત્રણ લોકોની શોધખોળ શરૂ છે.
કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ મળીને ૨૧ જેટલા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જેમાં ૨૨૦૦ લોકોને સ્થળાંતરિત કરીને આશ્રય અપાયો છે. આગામી દિવસોમાં વરસાદની ભારે ચેતવણીના પગલે રાજકોટની સમાજસેવી સંસ્થાઓ, એન.જી.ઓ. સાથે મીટીંગ કરીને એક લાખ ફુડપેકેટ્સ આગોતરા તૈયાર રાખવા જણાવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૨૬માંથી ૨૫ ડેમો અત્યારે સો ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે. જિલ્લામાં છૂટાછવાયા કાચાં ઝૂપડાં પડ્યાની ફરિયાદો મળી છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજકોટ જિલ્લામાં ૫૪ જેટલી સગર્ભાઓને અગાઉથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવી હતી. ઉપરાંત જરૂર પડી ત્યાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવવામાં આવી છે.
કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, ઉપલેટાના ગણોદ ગામ આસપાસ પાણી ફરી વળ્યા છે. આ ગામમાં ગત મોડી રાત્રે એક મહિલાને સર્પદંશ થયો હતો. જોકે ગામમાં એમ્બ્યુલન્સ જઈ શકે કે અન્ય વાહન ગામમાંથી બહાર આવી શકે તેવી સ્થિતિ ન હતી. જેના કારણે એસ.ડી.આર.એફ.ના જવાનો મદદે આવ્યા હતા. આ જવાનોએ માનવ સાંકળ રચીને મહિલાને ગામમાંથી રેસ્ક્યુ કરી હતી. આ દરમિયાન ગામના બેઠા પુલ પર પાણીનો પુષ્કળ પ્રવાહ હતો. જો કે જવાનો ભારે કુનેહ અને બહાદુરીથી મહિલાને બહાર લાવ્યા હતા, બાદમાં મહિલાને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ મહિલાની તબિયત સ્થિર છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈએ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર તંત્રે કરેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારે વરસાદની ચેતવણીને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી હતી. રાજકોટમાં ગઈકાલે બપોર ૧૨ વાગ્યા સુધીમાં ૧૬ ઈંચ જેવો વરસાદ થયો છે. ગઈકાલે સવારે ૬.૧૫ કલાકે આજીડેમ ઓવરફ્લો થયો હતો. એ સમયે આજી પરથી ત્રણ ફૂટ પાણી ઓવરફ્લો થતા હતા અને આજે નદીમાં પૂર આવ્યા હતા. જેના પગલે રાજકોટના ચાર જોખમી વોર્ડમાં અગાઉથી જ માઇક ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. જો કે લલુડી વોકળી વિસ્તાર તથા રામનાથપરા વિસ્તારમાં પાણીનો ફ્લો વધતાં ગતરાત્રે ૧૨.૩૦ વાગ્યે નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ મળીને ૧૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ ૭૦૦ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના શેલ્ટર હોમમાં અત્યારે ૭૩૦ લોકોને આશ્રય અપાયો છે. જેમના માટે સવારના નાસ્તા તેમજ રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શેલ્ટર હોમમાં રાઉન્ડ ધી કલોક ડયૂટી ગોઠવવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કહ્યું હતું કે, રાજકોટના પૂર્વ ઝોનમાં ૩૫૦ લોકોને આશ્રય સ્થળે રખાયા હતા. જોકે ત્યાં પણ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાવા લાગતા તેમને બીજે ખસેડવામાં આવ્યા હતા. આ સમયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પોતે પણ દોરડું તેમજ બચાવ સાધનો લઈને બચાવકાર્યમાં લાગી ગયા હતા. આગામી દિવસોમાં વરસાદની આગાહી જોતા સલામત શેલ્ટર હોમ બનાવી દેવામાં આવ્યા છે. ત્યાં મેડિકલ ટીમ પણ રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે રાત્રે બે વાગ્યાથી આજીડેમ ઓવરફ્લો એક ફૂટ પર સ્થિર થઈ ગયો છે. રામનાથપરા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લલુડી વોકળી વિસ્તારમાં પાણી વધઘટ થઈ રહ્યું છે. અહીંની સ્થિતિને પહોંચી વળવા ૧૮થી ૨૦ જેટલો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે.
રાજકોટમાં ભારે પવન વચ્ચે ઝાડની ડાળીઓ તૂટી પડવાની ફરિયાદો સામે આવતા, તેના નિરાકરણ માટે વધારાનો સ્ટાફ મુકવામાં આવ્યો છે અને તુરંત કામગીરી કરવામાં આવે છે. રાજકોટમાં હાલમાં એકપણ અંડરપાસ કે રોડ બંધ નથી. પોપટપરા નાલામાં પાણી ભરાયેલું હોવાથી સલામતીના કારણોસર હાલ બંધ કરાયું છે.
તેમણે કહ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારો કે મકાનમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો મળતા, મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિઝાસ્ટરની ટીમો તુરંત જ એક્શન લેતી હતી. જરૂર પડે ત્યાં પાળા તોડી કે ડી-વોટરિંગ મશીનથી પાણી નિકાલ કરવામાં આવ્યો છે.
રાજકોટ ઝોનની નગરપાલિકાઓના કમિશનર શ્રી મહેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં છ નગરપાલિકા વિસ્તારમાંથી કુલ મળીને ૭૯૧ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ૬૬૭ ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યા છે. જિલ્લાની ચાર નગરપાલિકા ગોંડલ, જસદણ, ઉપલેટા તથા ધોરાજીના ૧૪ વિસ્તારોમાં હાલ પાણી ભરાયાની સ્થિતિ છે. ઉપલેટામાં ચાર ઝાડ પડી ગયા હતા. મોજ અને વેણુ નદીનો પ્રવાહ વધતા ઉપલેટામાંથી ૯૭ લોકોને સ્થળાંતરિત હતા. જ્યારે ગોંડલ તથા જસદણ નગરપાલિકા વિસ્તારમાંથી ૩૦૦-૩૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારોમાં એકપણ માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ નોંધાયા નથી. ભારે વરસાદ વચ્ચે જસદણમાં કાચા મકાનમાંથી એક પરિવારને આગોતરો જ ખસેડી લેવામાં આવ્યો હતો. એ પછી વરસાદમાં આ કાચું મકાન પડ્યું હતું. જોકે આગોતરી કામગીરીના કારણે કોઈ જ જાનહાનિ થઈ નથી. ગોંડલના મોટી ખીલોરી ગામમાં પ્રવાહમાં એક વાહન તણાયાની માહિતી મળતા ગોંડલપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી ગઈ છે.
આ તકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આપદા વચ્ચે ગુજરાત સરકાર, ડિઝાસ્ટર તંત્ર તેમજ સમાજસેવી સંસ્થાઓએ જે કામગીરી કરી છે તે બધા અભિનંદનને પાત્ર છે. જ્યારે સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટે ૨૧ સ્થળે ભોજન બનાવીને ૬૦૦૦થી વધુ લોકોને જમાડ્યા છે. જે ખૂબ જ સારી કામગીરી છે.
ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાએ તાજેતરમાં થયેલા વરસાદની નુકસાની બદલ રૂપિયા ૩૫૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપવા બદલ રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. આ સાથે તેમણે વર્તમાનમાં ભારે વરસાદની આપદામાં અસરકારક કામગીરી માટે કેટલાક મહત્ત્વનાં સૂચનો પણ કર્યા હતા. રાજકોટના મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયાએ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોર્પોરેશનની ડિઝાસ્ટર ટીમે કરેલી કામગીરીની સરાહના કરી હતી.
આ બેઠકમાં રાજકોટના જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબહેન રંગાણી, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, ડી.આઈ.જી. શ્રી જયપાલ સિંહ રાઠોર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે અને શ્રી ચેતન નંદાણી, અધિક નિવાસી કલેક્ટર શ્રી ચેતન ગાંધી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્રી બી.એ. અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી, એડિ. કલેક્ટર સુશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીઓ શ્રી વિમલ ચક્રવર્તી અને સુશ્રી ચાંદની પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ઈલાબેન ગોહિલ, પુરવઠા અધિકારી સુશ્રી રાજેશ્રી વંગવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





