પોલીસકર્મીઓ પર હવાલા કાંડનો ગંભીર આક્ષેપ, પોલીસે 30 લાખનું સોનું પડાવ્યું !!!

રંગીલા રાજકોટ શહેર ફરીથી પોલીસના હવાલા કાંડથી ધણધણ્યું છે. રાજકોટ શહેરના એ ડિવિઝનના પોલીસકર્મીઓ પર હવાલા કાંડનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના એક સોનાના વેપારીએ પોલીસનો વ્યવસ્થિત ઉપયોગ કરી એક મોટા તોડકાંડને અંજામ આપ્યાના આક્ષેપ છે. જેમાં આક્ષેપિત પોલીસકર્મીઓએ સોનાનું કામ કરતા પિતા-પુત્રને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને સોનું પડાવી લીધું હતું. ફરિયાદી કારીગરનો આક્ષેપ છે કે તેને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર માર્યો હતો.
વેપારી અને મીલીભગત કરનાર પોલીસકર્મીઓના દબાણના કારણે તથા પુત્ર હિરેન આડેસરા પર ખોટા આક્ષેપ સહન ન થતા 14-10-2024ના રોજ પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડીમાં ઝેરી દવા પીને આપઘાત ખાતે કર્યો હતો. મૃતક અશ્વિન આડેસરાએ આપઘાત કરતા પૂર્વે સ્યુસાઈડ નોટ લખી હતી. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસકર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા. મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું હતું. બળજબરીપૂર્વક ચોરી બાબતનું લખાણ કરાવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 4 વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.
રાજકોટના સોની વેપારીઓની અરજીના આધારે હિરેન આડેસરાને પોલીસ સ્ટેશને બોલાવી થર્ડ ડિગ્રી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ એ ડિવિઝન પોલીસે પર આક્ષેપ લગાવ્યો છે કે, ‘પોલીસે તેની પાસેથી 30 લાખનું સોનું પડાવ્યું છે.’



