મહિલા ડૉક્ટરે દવાનો ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટની બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલા તબીબના આપઘાતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. કયા કારણોસર મહિલા તબીબે આત્મહત્યા કરી તેની પાછળનું કારણ હજુ અકબંધ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને મહિલાના પતિ, પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહિતનાની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના એસ.ટી. બસપોર્ટ પાછળ આવેલી બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસીયુ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે છેલ્લા કેટલાક વર્ષથી ફરજ બજાવતી રોણકી ગામની મહિલા તબીબ એન્જલ ધવલભાઈ મોલિયા (ઉં.વ. ૨૭)એ ગત 21 મેના રોજ એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લીધો હતો. દવાના ઓવરડોઝના કારણે મહિલા ડોક્ટરની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવી હતી. જોકે, ગત 24 મેના રોજ એન્જલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મહિલા ડો. એન્જલ મોલિયાના આપઘાત અંગે રાજકોટ પોલીસના એસીપીએ જણાવ્યું હતું કે, ‘મહિલા તબીબનું મોત થતાં પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવવામાં આવ્યું છે. મહિલા તબીબે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી. આ મામલે હોસ્પિટલના સ્ટાફ અને મહિલાના પતિ સહિત પરિવારજનોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે’.
આ તરફ દીકરીના આપઘાતને લઈને તેના માતા-પિતાએ પોતાની દીકરીને તેના પતિ સાથે કોઈ પ્રકારે તકરાર સહિતના મુદ્દે કોઈ પણ આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું નથી. ઘટનાને લઈને હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલની શરૂઆતથી મહિલા તબીબ અમારી સાથે જોડાયેલા હતી. આ ઘટના અમારી હોસ્પિટલ માટે દુઃખદ વાત છે. અમે પોલીસ તપાસની કાર્યવાહીમાં સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યા છીએ.’ મહિલા તબીબે કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



