ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
રાજકોટ એઇમ્સની એમ.બી.બી.એસ.ની પ્રથમ બેચના ૫૦ છાત્રોને ડિગ્રી એનાયત કરાઈ

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
રાજકોટ તા. ૧૩ એપ્રિલ – ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે રાજકોટ એઈમ્સ (AIIMS)ના પ્રથમ પદવીદાન સમારોહમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ સંબોધન કરતાં કહ્યું કે, દેશભરમાં પરવડે તેવા ખર્ચે ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઘણી એઈમ્સની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ ઉત્તમ તબીબી શિક્ષણ, સંશોધન અને નવી શોધોને પ્રોત્સાહન, જાહેર આરોગ્ય સેવા અને રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે, નવા સંશોધનો અને દર્દીઓની સારવાર દ્વારા આરોગ્ય સેવાઓને આગળ વધારવા માટે એઈમ્સની મહેનત પ્રશંસનીય છે.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, એઈમ્સ રાજકોટ એક નવી સંસ્થા છે. તબીબી શિક્ષણ, સંશોધન અને સેવાના ક્ષેત્રોમાં તેને હજુ ઘણી મજલ કાપવાની છે. એઈમ્સના નીતિ નિર્ધારકો તેમના લક્ષ્યોમાં માત્ર એઈમ્સના મુખ્ય ઉદ્દેશ્યોને જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળતી આરોગ્ય વિષયક સમસ્યાઓના ઉકેલ માટે પણ આગેવાની લે, તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે તબીબી વ્યવસાય એ માત્ર કમાણીનું સાધન નથી; તે માનવતાની સેવા કરવાનું એક વચન પણ છે. આ વ્યવસાયમાં માત્ર વિજ્ઞાનનું જ્ઞાન જ નહીં પરંતુ દયાભાવ, ધીરજ અને નમ્રતાની પણ જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટરો જે સફેદ કોટ પહેરે છે તે બીમારી અને મુશ્કેલીના સમયે સમાજ તેમના પર જે વિશ્વાસ મૂકે છે તેનું પ્રતીક છે. આ વિશ્વાસને ટકાવી રાખવાની જવાબદારી ડોક્ટરોની છે.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, તબીબી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ્સ દ્વારા સર્જરી, ચોક્કસ નિદાન પદ્ધતિઓ અને ડિજિટલ આરોગ્ય સેવાઓ તબીબી જગતનો ચહેરો અને કામ કરવાની રીત ઝડપથી બદલી રહ્યા છે. તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને પરિવર્તનને અપનાવીને તબીબી સેવા વધુ અસરકારક બનાવવા પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને તેઓ પોતાના જ્ઞાન અને આવડતમાં વધારો કરી શકશે, સાથે રોગોની સારવાર વધુ સારી રીતે કરી શકશે. જો કે, તબીબી ક્ષેત્રમાં માનવીય સંવેદના અને હૂંફની ભૂમિકા ક્યારેય બદલી શકાતી નથી. ડોક્ટરના મધુર શબ્દો, આશ્વાસન આપતું સ્મિત અને દર્દીને સાચી રીતે સાંભળવાની ધીરજ ઘણીવાર એવી અસર કરે છે, જે માત્ર દવાઓ નથી કરી શકતી.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, સારા ડોક્ટર બનવું એ એક મોટી સફળતા છે પણ પ્રામાણિકતા, દયા અને પરોપકારની ભાવના જેવા માનવીય ગુણો ધરાવતા ડોક્ટર બનવું એ તેનાથી પણ મોટી સફળતા છે. તેમણે જણાવ્યું હતું કે, કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના હોદ્દાનો સદુપયોગ કરીને દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સલાહ આપી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, એઈમ્સ રાજકોટ દરેકને સમાન અને સસ્તી સારવાર મળે તેવા રાષ્ટ્રીય ઉદ્દેશ્યને પૂરો કરવા માટે નવા ઉદાહરણો પૂરા પાડશે.
આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે એઈમ્સ હોસ્પિટલ, રાજકોટ આરોગ્ય ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે. જેના સુખદ પરિણામ સ્વરૂપે તબીબોની પ્રથમ બેચ નાગરિકોને આરોગ્યલક્ષી સેવા આપવા માટે સક્ષમ બની છે. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ડોકટરને ભગવાન પછી બીજું સ્થાન આપવામાં આવે છે, ત્યારે પોતાના સદગુણો અને કાર્યો થકી લોકોના હૃદયમાં સ્થાન બનાવી શકીએ એ જ સફળ જીવનની વ્યાખ્યા છે.
રાજ્યપાલશ્રીએ તબીબોને જીવનમાં હંમેશા સત્યનું આચરણ, ધર્મનું પાલન અને પ્રાપ્ત કરેલી વિદ્યામાં અભિવૃદ્ધિ કરવાની સાથે આરોગ્ય ક્ષેત્રમાં સતત પ્રયત્નશીલ અને પ્રયોગશીલ બનાવાની પ્રેરણા આપી હતી.
તેઓશ્રીએ કહ્યું હતું કે, આજે જંકફુડ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સામે જોખમ વધી રહ્યું છે. રાસાયણિક ખાતરો, જંતુનાશકો વગેરેના બેફામ ઉપયોગના કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારીઓ વધી રહી છે. તેમણે તબીબોને વિનંતી કરી હતી કે, તેમણે દર્દીઓને માત્ર દવા જ નહીં પરંતુ સારી જીવનશૈલી, યોગ અને શુદ્ધ ખાનપાન માટે પણ પ્રેરિત કરવા જોઈએ. જેથી દેશનો દરેક નાગરિક સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે તબીબી સેવાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્ર સેવાનું માધ્યમ છે. દર્દી નારાયણ દ્વારા ડોક્ટરને ઈશ્વરના બીજા સ્વરૂપમાં જોવામાં આવે છે ત્યારે દર્દી અને ડોક્ટર વચ્ચે વિશ્વાસનો સેતુ હંમેશા કાયમ રહેવો જોઈએ. દર્દીઓ અને તેમના પરિવારજનોને ડોક્ટર પાસે ખૂબ આશા હોય છે, તેઓની સાથે આત્મીયતા કેળવી, તેમનો વિશ્વાસ જીતી, સારવાર આપવાની સાથે દર્દીઓને હૂંફ આપવા જણાવ્યું હતું. તેમણે આજે તબીબી ક્ષેત્રે થઈ રહેલી અનેક નવી શોધ, નવા સંશોધન, અકસીર દવા તથા દર્દીઓનાં ઈલાજમાં નવીનતા લાવી સ્વયંને અદ્યતન જાણકારી સાથે કાર્યશીલ રહેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ સમારોહનાં પ્રારંભે એઈમ્સ રાજકોટના ડાયરેક્ટર ડૉ. જીવનસિંઘ તિતિયાલે દિક્ષાંત સમારોહની ક્ષણને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે યુવા તબીબોને કહ્યું હતું કે, તબીબી સેવા માત્ર બીમારીનો ઈલાજ કરવા પૂરતી સીમિત નથી પરંતુ તે કરૂણા અને ગરિમા સાથે માનવતાની સેવા કરવાનું પવિત્ર કાર્ય છે.
આ અવસરે કાર્યકારી નિર્દેશક ડૉ. એલ. એન. દોરાઈરાજને એઈમ્સ રાજકોટની સફળયાત્રાની વિગતો રજૂ કરી હતી તેમજ સ્નાતક થયેલા પ્રથમ બેચના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીને તબીબી સેવાની સાથે કરૂણા, અખંડિતતા અને નમ્રતાના મૂલ્યો અપનાવીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદો સર્વ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટના તબીબી, ઉદ્યોગજગત અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









