
નર્મદા : ૫૦ રૂપિયાની લાંચના કેસમાં હોમગાર્ડ ને ચાર વર્ષ કેદની સજા અને દંડ ફટકારતી રાજપીપળા કોર્ટ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં રૂપિયા ૫૦ ની લાંચ લેતા ઝડપાયેલા હોમગાર્ડ આરોપી કંચનભાઈ રૂપજીભાઈ વસાવાને રાજપીપળા કોર્ટે ચાર વર્ષ કેદની સજા ફટકારી લાંચિયા કટકિબાઝ વચેટિયાઓ માટે સિક્ષારૂપી દાખલો બેસાડ્યો છે
સમગ્ર કેસની હકીકત એમ છે કે બોડેલી ઓરસંગ નદીમાંથી રેતી ભરેલા વાહનો નર્મદા જિલ્લામાંથી પસાર થઈને સુરત તરફ જતા હોય છે ત્યારે રોડ પર ફરજ બજાવતા ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ,હોમગાર્ડ/જી.આર.ડી. તથા તેઓના વચેટીયાઓ થકી આવા ભારવાહનો રોકી વાહન ચાલક પાસેથી ટ્રાફીક નિયમનાં ભંગ બદલ કેસ કે દંડ નહીં કરવાના બહાના હેઠળ એન્ટ્રી ફી ના રૂા.૫૦/- થી લઈ રૂા.૧૦૦/- સુધીની લાંચની રકમ માંગતા હોવાનું એસીબી માં ફરિયાદ મળતા પો.ઈન્સ. પી.ડી. બારોટે તે હકીકતની ખરાઈ કરવા અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તેઓના ડ્રાઈવર રામકરણ જયપાલ નિશાદને તેઓની રેતી ભરેલ ટ્રક સાથે કેવડીયા કોલોની ખાતે લાંચના ડીકોય છટકાંના કામે સહકાર આપવા બાબતે સહમત થતાં બે સરકારી પંચો તથા વોઈસ રેકોર્ડરનો ઉપયોગ કરી લાંચના છટકાંનું આયોજન કરતાં આરોપી કંચનભાઈ રૂપજીભાઈ વસાવા હોમગાર્ડ સાથે લાંચની લેતી દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા. ૫૦/- ની માંગણી કરી, સ્વીકારી, લાંચના ડીકોય છટકા દરમ્યાન પકડાઈ ગયો હતો
આ કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ આર.ટી.પંચાલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીનેભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમ, ૧૯૮૮ કલ ૭ મુજબના શિક્ષાને પાત્ર ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ. કલમ-૨૫૮(૨) અન્વયે તકસીરવાન ઠારવીને ૩(ત્રણ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૨, ૫૦૦/- નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા તથા ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમ, ૧૯૮૮ કલમ- ૧૩(૧)(ઘ) સાથે કલમ- ૧૩(૨) મુજબના શિક્ષાને પાત્ર ગુનાના તહોમત સબબ બી.એન.એસ.એસ. કલમ-૨૫૮(૨) અન્વયે તકસીરવાન ઠારવીને ૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ ૨(બે) માસની સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવતા લાંચિયા ટીઆરબી હોમગાર્ડ અને વચેટિયાઓ માં ફફડાટ ફેલાયો છે




