રાજપીપલાની સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ કોલેજનું ગૌરવ વધાર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સ્થિત શ્રી સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત થઈ નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના “સેવ કલ્ચર અને સેવ ભારત” ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વકૃત્વ સ્પર્ધા વર્ષ-2025 અંતર્ગત દક્ષિણ ગુજરાત વિભાગયી વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજપીપલાની શ્રી સી.પી.ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થી અભિષેક સોલંકીએ “ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” વિષય પર વક્તવ્ય આપી સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ રૂપિયા ૭૦૦૦નો રોકડ પુરસ્કાર મેળવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તા.28મી માર્ચે ગાંધીનગર ખાતે વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું.
ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રી અભિષેક સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાદેશિક વેશભૂષામાં પણ મુખ્યમંત્રીશ્રી સાથે તમામ પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા અને ભોજન સત્રમાં ઉચ્ચ વિચાર ગોષ્ઠી સાથે આદાન પ્રદાન કરી કોલેજ અને નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.