નારી વંદન સપ્તાહ અંતર્ગત ઓઢવ નારી ગૃહની બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
નારી વંદન સપ્તાહના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં આજરોજ ઓઢવ ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બહેનો દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં રહેલી બહેનોએ ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફને રક્ષાસૂત્ર બાંધી તેમના સંરક્ષણ કાર્ય માટે અભિનંદન આપ્યા હતા તેમજ તેમની સુરક્ષા, સુખાકારી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. બહેનો માટે આ પ્રસંગે પોતાને સમાજનો સન્માનિત ભાગ માનવાનો વિશેષ અવસર રહ્યો હતો.
પોલીસ સ્ટાફ દ્વારા પણ બહેનોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓનું સશક્તીકરણ અને આત્મવિશ્વાસ વધારવા માટે આવા કાર્યક્રમો પ્રેરણાદાયી છે. આ પ્રસંગે તેમણે બહેનોના કલ્યાણ માટે દરેક સંભવિત સહાય આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉપસ્થિત અધિકારીઓમાં દહેજ પ્રતિબંધક અધિકારી વૃતિકાબેન વેગડા, ફિલ્ડ ઓફિસર ઉર્વશીબેન પુરબીયા, આશાબહેન દેસાઈ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર બિનલબહેન અલગોતર તેમજ નારી ગૃહના અન્ય સ્ટાફ સભ્યો અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નારી સંરક્ષણ ગૃહ દ્વારા બહેનો માટે વિવિધ સાંસ્કૃતિક અને માનસિક વિકાસ માટેના કાર્યક્રમો તેમજ કાર્યશાળાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેથી બહેનોમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ જીવનમાં નવી દિશા મેળવી શકે.
નારી વંદન સપ્તાહ અંતર્ગત સદભાવના પ્રેરક કાર્યક્રમો મહિલાઓના ઉત્સાહ અને માનસિક શક્તિમાં વૃદ્ધિ કરતા કાર્યક્રમોમાંથી એક રૂપે નોંધાયા છે.