દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ માટે રેલીનું કરાયું આયોજન

4 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ.ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં દિવ્યાંગ રેલીનું આયોજન કરાયું
દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ માટે રેલીનું કરાયું આયોજન.પાલનપુર સ્થિત મમતા મંદિર ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાઈ હતી. દર વર્ષે ૩ ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરાય છે. દિવ્યાંગ દિનની ઉજવણીના ભાગરૂપે મમતા મંદિર દ્વારા દિવ્યાંગ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ૩ ડિસેમ્બરના રોજ પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીને પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના વરદહસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન અપાયું હતું. આ રેલીમાં કુલ ૩૫૦ દિવ્યાંગજનો ઉપરાંત સ્પેશિયલ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ અને સ્ટાફ સહિત મળી અંદાજે ૫૫૦ જેટલા લોકો જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે, તેમના અધિકારો માટે સમાજમાં જાગૃતિ ફેલાય અને મમતા મંદિર દ્વારા દિવ્યાંગ શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી સેવાઓની જાણકારી લોકોને મળી રહે તે મુજબનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હિતેશ પટેલ, પાલનપુર વકીલ એસોસિયેશનના પ્રતિનિધિઓ, મમતા મંદિરના નિયામકશ્રી મહેન્દ્રભાઈ પટેલ, મદદનીશ નિયામકશ્રી ડૉ.અતીનભાઈ જોશી, કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.







