
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતના ઘન જંગલો હંમેશા પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે તાજેતરમાં વાંસદા અને ડાંગના જંગલોમાં અત્યંત સુંદર અને દુર્લભ પક્ષી ‘મલાબાર ટ્રોગોન’ (Malabar Trogon) જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતીમાં ‘સુહાગણ’ તરીકે ઓળખાતું આ પક્ષી તેના મનમોહક રંગો અને શાંત સ્વભાવ માટે જાણીતું છે. મુખ્યત્વે પશ્ચિમ ઘાટના ભેજવાળા વિસ્તારોમાં વસવાટ કરતું આ પક્ષી ગુજરાતમાં ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ ડાંગ જિલ્લો, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્ક જેવા વિસ્તારોમાં તેની હાજરી નોંધાતી રહે છે.દેખાવમાં અત્યંત આકર્ષક એવા આ પક્ષીમાં નર અને માદા વચ્ચે સ્પષ્ટ તફાવત જોવા મળે છે. નર મલાબાર ટ્રોગોનનો ઉપરનો ભાગ કાળો અને પેટનો ભાગ તેજસ્વી લાલ હોય છે, જ્યારે તેની છાતી પર સફેદ પટ્ટો તેની સુંદરતામાં વધારો કરે છે. તેની સરખામણીએ માદા પક્ષી થોડા ફિક્કા બ્રાઉન રંગનું હોય છે. લાંબી પૂંછડી ધરાવતું આ પક્ષી મોટે ભાગે એકલવાયું અથવા જોડીમાં રહેવાનું પસંદ કરે છે અને જંગલના ગાઢ વૃક્ષો વચ્ચે શાંતિથી રહીને જીવાતો, કીડા કે ફળો ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે.આ અંગે વધુ માહિતી આપતા પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે, “વાંસદા નેશનલ પાર્ક જેવા વિસ્તારોમાં આ પક્ષીની હાજરી એ ગૌરવની વાત છે, પરંતુ તે ખૂબ જ સંકોચાઈને રહેતું હોવાથી તેને જોવું દુર્લભ છે. જો વહેલી સવારે કે સાંજના સમયે શાંતિથી બર્ડ વોચિંગ કરવામાં આવે, તો જ આ પક્ષીના દર્શન થઈ શકે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ પક્ષી માત્ર તેની સુંદરતા માટે જ નહીં, પરંતુ જંગલની ઇકોસિસ્ટમ અને પર્યાવરણના સંતુલન માટે પણ અત્યંત મહત્વનું છે.સ્થાનિક માર્ગદર્શકોના મતે, મલાબાર ટ્રોગોન જેવા પક્ષીઓની હાજરી એ સાબિત કરે છે કે આપણા જંગલોની જૈવ-વિવિધતા હજુ પણ સમૃદ્ધ છે. પર્યાવરણના જતન અને આવા દુર્લભ પક્ષીઓના નિવાસસ્થાનોનું સંરક્ષણ કરવું એ સમયની માંગ છે, જેથી આવનારી પેઢી પણ કુદરતના આ અણમોલ ખજાનાને નિહાળી શકે..





