
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રતાડીયા–ગુંદાલા માર્ગ મોટરેબલ? : પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીને મામુ બનાવતા માર્ગ અને મકાન વિભાગના માસ્ટર માઈન્ડ અધિકારી
રતાડીયા : 25 ફેબ્રુઆરી 2026
કચ્છના મુંદરા તાલુકાના રતાડીયા–ગુંદાલા માર્ગ વિશે ગુજરાત સરકારને કરવામાં આવેલી અરજી અને રિમાઈન્ડર પછી ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગના અધિકારી સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર આર. કે. શ્રીવાસ્તવએ તેમના જવાબમાં જણાવ્યું છે કે રસ્તા પર “પેચવર્ક કર્યું છે અને હાલ રસ્તો મોટરેબલ છે.” અને સાથે માર્ગને હેવી વાહનોથી નુકસાન થતું હોવાનું ‘કારણ’ બતાવવામાં આવ્યું છે. તથા રતાડીયા–ગુંદાલા–ભલોટ માર્ગ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2025–26માં મંજૂર થયો છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરૂ થશે એવો જવાબ પીએમઓ પોર્ટલ પર આપીને કેસ બંધ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીને પણ મામુ બનાવનાર માર્ગ અને મકાન વિભાગના માસ્ટર માઈન્ડ અધિકારીના ભ્રામક જવાબ પ્રત્યે રતાડીયા ગામની દીકરીઓ વતી આક્રોશ વ્યક્ત કરતા રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે રતાડીયા-ગુંદાલા માર્ગની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ખરેખર જમીન પરની હકીકત કંઈક અલગ છે. 10 વર્ષ પહેલા બનેલા આ રોડ પર ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા છે ત્યારે તંત્ર છેલ્લા કેટલાક સમયથી માત્ર કાગળ પર રસ્તાનું રિપેરિંગ બતાવી રહ્યું છે. વાસ્તવમાં આ રસ્તો ટુ-વ્હીલર ચલાવવા જેવો પણ રહ્યો નથી. હકીકતમાં આ રસ્તો મોટરેબલ (ચાલવા લાયક) નહીં પરંતુ ‘મોતરેબલ’ (મોત લાવનાર) છે. આ જ ખાડાઓએ ૬ મહિના પહેલા એક યુવાનનો ભોગ લીધો હતો, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે.
રસ્તો એટલો બિસ્માર છે કે એસ.ટી. બસના ડ્રાઈવરોએ અહીં બસ ચલાવવાની ના પાડી દીધી છે. ગુજરાત સરકારની ‘ફ્રી પાસ’ યોજના અહીં નિરર્થક બની છે. ગામની દીકરીઓને ખાનગી વાહનોમાં ૫ ગણું ભાડું આપી જીવના જોખમે સ્કૂલે જવું પડે છે. શું તંત્ર ‘બેટી પઢાવો’ના નારાને માત્ર કાગળ પર જ સીમિત રાખવા માંગે છે?
વારંવાર અધિકારીઓ દ્વારા કાગળ ઉપર પેચવર્ક કરવાના દાવાઓ શંકા ઉપજાવે છે. ગામલોકોએ છેલ્લા 3 વર્ષમાં આ રોડ પર કેટલી વાર કામ થયું? કઈ એજન્સીએ કામ કર્યું? અને કેટલો ખર્ચ થયો? અને આ કામને ક્યાં અધિકારી દ્વારા ક્મ્પ્લેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું? એની તટસ્ત તપાસ કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત છેલ્લા એક વર્ષથી સાંભળવા મળે છે કે રસ્તો મંજુર થઈ ગયો છે, પણ હજુ સુધી ટેન્ડરની પ્રક્રિયામાં જ અટક્યું છે. તો ક્યારે વર્ક ઓર્ડર અપાશે અને ક્યારે કામ શરૂ થશે? એ મોટો સવાલ છે કેમ કે રજુઆતનો જવાબ આપવામાં જ અધિકારીને એક માસ જેટલો સમય વિચારવામાં લાગ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થયેલ કામને શરૂ કરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?
નેશનલ હાઇવે પર મોખા ચોકડી પાસે આવેલ ટોલ ટેક્સ બચાવવા માટે મુંદરા એસ.ઈ.ઝેડ.ની મોટી કંપનીઓના હેવી વાહનો ગુંદાલા-રતાડીયા ગામના આંતરિક રસ્તાનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ રસ્તો આટલા હેવી લોડ માટે બનેલો જ નથી, જેને કારણે તે સતત તૂટી રહ્યો છે. જ્યારે ગામ લોકો આ ગેરકાયદેસર હેવી ટ્રાફિકનો વિરોધ કરે છે, ત્યારે પરપ્રાંતીય ડ્રાઈવરો દ્વારા ગ્રામજનોને માર મારવાના બનાવો બનવા પામે છે. સ્થાનિક પોલીસ આ બાબતે મૌન સેવી રહી છે. મુંદરા વિસ્તારમાં તાજેતરમાં પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટના સાબિત કરે છે કે અહીં અધિકારીઓનો કોઈ ખોફ જ રહ્યો નથી અને ‘જંગલરાજ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
શું સરકાર માત્ર કાગળ પર જ રસ્તા બનાવી રહી છે? જો રસ્તો મોટરેબલ હોય તો એસ.ટી. બસ કેમ આવતી નથી? અધિકારીઓ એ.સી. ઓફિસમાં બેસીને ખોટા રિપોર્ટ આપી રહ્યા છે, જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.
————બોક્સ———
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:
૧. છેલ્લા ૩ વર્ષમાં પેચવર્કના નામે થયેલા ખર્ચનું ઓડિટ કરવામાં આવે અને ખોટો અહેવાલ આપનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય.
૨. નવો રોડ બને ત્યાં સુધી યુદ્ધના ધોરણે મજબૂત પેચવર્ક કરી એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે.
૩. ટોલ ચોરી કરતા ભારે વાહનોને આ ગ્રામ્ય માર્ગ પર પ્રવેશતા અટકાવવા માટે કડક અમલવારી થાય.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




