
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે ‘કન્યા કેળવણી’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા મસમોટા અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડીઆંબા પ્રાથમિક શાળામાં શિક્ષણની કથળતી સ્થિતિ જોઈને સવાલ થાય છે કે શું આદિવાસી બાળકોના ભવિષ્યની કોઈને ચિંતા છે?ચોંકાવનારી બાબત એ છે કે આ દગડીઆંબા ગામ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર ગણાય છે.જે નેતાના શિરે આખા જિલ્લાના વિકાસની જવાબદારી હોય, તેમના જ મત વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષણ વ્યવસ્થા વેન્ટિલેટર પર હોય તે અત્યંત શરમજનક બાબત છે.દગડીઆંબા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં કુલ ૧૪૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમ મુજબ અહીં પૂરતા શિક્ષકો હોવા જોઈએ, પરંતુ વાસ્તવિકતા અહીં વેગળી જ જોવા મળી રહી છે.કારણ કે અહીં ૬ શિક્ષકો માટેનું મહેકમ મંજૂર થયેલ છે અને હાજર માત્ર ૦૨ શિક્ષકો જ છે.મુખ્ય શિક્ષક (આચાર્ય) પણ વારંવાર ગેરહાજર રહેતા હોવાના સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.માત્ર બે શિક્ષકો દ્વારા ૧ થી ૮ ધોરણના ૧૪૧ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવવા? શું બે શિક્ષકો આઠે-આઠ ધોરણના વિષયોને ન્યાય આપી શકે? આ પરિસ્થિતિમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળવું તો દૂર, માત્ર હાજરી પુરાવી જ પૂરતી બની રહી છે.શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓની સ્થિતિ પણ દયનીય છે. શાળામાં નવા બાંધકામ માટે બે જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે બાળકોને બેસવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ શિક્ષકોની અછત અને બીજી તરફ અપૂરતી જગ્યા, આ બંને વચ્ચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે, “શિક્ષકોની સતત ગેરહાજરીને કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.ડાંગ જિલ્લા પ્રમુખના મત વિસ્તારમાં હોવા છતાં આવી અવ્યવસ્થા હોવી દુઃખદ અને ચોંકાવનારી બાબત છે.”ત્યારે શું શિક્ષણ વિભાગ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ કે ગેરહાજર રહેતા મુખ્ય શિક્ષક સામે પગલાં ભરશે? કે પછી દગડીઆંબાના આ આદિવાસી બાળકોનું ભવિષ્ય રાજકીય ઉદાસીનતા અને વહીવટી નિષ્ફળતાનો ભોગ બનતું રહેશે? સ્થાનિકોની હવે એક જ માંગ છે કે વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને નવી શાળાના ઓરડાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે..





