
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં તાજેતરમાં બનેલો ડામર રોડ પીગળતા નગરજનોમાં રોષ- ભ્રષ્ટાચાર ને દબાવવા હવે ડામરનો આશરો લેતા કોન્ટ્રાકટરો..!!!
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તાજેતરમાં બનાવાયેલ ડામર રોડની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. મુખ્ય ચાર રસ્તાથી સહયોગ ચોકડી સુધી બનાવાયેલ રોડ પર ડામર પીગળવા લાગતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.હજુ ઉનાળાની શરૂઆત જ છે અને તાપમાન અંદાજે 30 ડિગ્રી આસપાસ છે, છતાં રોડ પરનું ડામર પીગળીને એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે રાહદારીઓ ચાલે ત્યારે પગ નીચે ચોંટે છે. જ્યારે વાહનચાલકો પસાર થાય છે ત્યારે વાહનોના ટાયર સાથે ડામર ચોંટીને બહાર આવી રહ્યું છે. જેના કારણે વાહનચાલકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે અને અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક નગરજનોનો સવાલ છે કે જો માત્ર 30 ડિગ્રી તાપમાને જ રોડની આવી સ્થિતિ છે તો આગામી સમયમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે રોડની હાલત શું થશે. આ બાબતે લોકો દ્વારા કામની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.આ સમગ્ર મામલે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં જાણ કરી રોડનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરવામાં આવી છે.હાલ સ્થાનિક નગરજનોની માંગ છે કે પીગળેલા રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવે.





