NATIONAL

દિલ્હીના રામલીલા મેદાનમાં ૨૮ રાજકીય પક્ષોએ શક્તિપ્રદર્શન કરતાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કર્યું

દિલ્હીના રામલીલા મેદાનમાં 28 રાજકીય પક્ષોએ શક્તિપ્રદર્શન કરતાં લોકતંત્ર બચાવો રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં 20000થી વધુ લોકોની ભીડ ઉમટી છે. આ રેલીમાં સૌથી ખાસ આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે હાજરી આપી છે. કોંગ્રેસે કહ્યું કે ‘લોકતંત્ર બચાવ રેલી’ નો હેતુ કોઈ વ્યક્તિને બચાવવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે. રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, શિવસેના પ્રમુખ (યુબીટી) ઉદ્ધવ ઠાકરે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, ડાબેરી નેતા સીતારામ યેચુરી અને શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આઈપીએલને ટાંકીને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ લીધી હતી. તેમણે કહ્યું કે કેવી રીતે મેચ ફિક્સિંગ દ્વારા મેચ જીતવામાં આવે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આપણે સામે લોકસભાની ચૂંટણી છે અને અમ્પાયરને મોદીજીએ પસંદ કર્યા છે. અમારા બે ખેલાડીઓની ધરપકડ કરીને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. નેતાઓને પૈસાની ધમકી આપવામાં આવે છે, સરકારોને પાડી દેવામાં આવે છે, નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ મેચ ફિક્સિંગ માત્ર નરેન્દ્ર મોદી જ નહી પણ તેમની સાથે કેટલાક ત્રણ-ચાર અબજોપતિઓ મળીને કરી રહ્યા છે અને આ જ સત્ય છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં અખિલેશ યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘રામલીલા મેદાન એ એક ઐતિહાસિક મેદાન છે જ્યાં આપણે બધા એકસાથે ઉભા છીએ. આ મેદાન પરથી જાહેરાત થવા જઈ રહી છે કે દિલ્હીમાં જે શાસક બેઠા છે તે લાંબો સમય રહેવાના નથી. અખિલેશે વધુમાં 400ને પાર કરવાના નારા પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમે 400 પાર થઈ રહ્યા હતા તો પછી તમને આમ આદમી પાર્ટીના નેતાથી કેમ ચિંતા છે?. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લોકો સ્વાગત કરે છે તો સમય આવે છે ત્યારે તેઓ ધામધૂમથી વિદાય પણ કરે છે. દેશની જનતા જ નહીં દુનિયા ભાજપ પર થૂ-થૂ કરી રહી છે.

સીતારામ યેચુરેએ કહ્યું કે ‘આજથી 47 વર્ષ પહેલાં, એક ઐતિહાસિક સભા યોજાઈ હતી અને એક નારો લગાવવામાં આવ્યો હતો – આઝાદી કે ગુલામી. જયપ્રકાશ નારાયણ અપાયેલા નારાથી તે વર્ષની ચૂંટણીમાં ‘આઝાદીની જીત અને ગુલામીની હાર થઈ હતી.’ સીતારામ યેચુરીએ વધુમાં કહ્યું કે અમે મોદી સરકારને હરાવીશું જે આપણા દેશને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસ તરફથી સાંસદ ડેરેક ઓ બ્રાયન અને સાગરિકા ઘોષ પણ આ રેલીમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મમતા બેનરજીનું સંપૂર્ણ સમર્થન આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાથે છે. ટીએમસી ભારત ગઠબંધનમાં સંપૂર્ણ રીતે સામેલ છે. મમતા બેનરજીએ આજથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને તેથી તેઓ રેલીમાં આવી શક્યા નથી. આ લડાઈ દિલ્હીની નહીં પણ દેશની લડાઈ છે. મોદીજીની ખોટી ગેરંટી સામેની લડાઈ છે.

જમ્મુ-કાશ્મીરથી રેલી જોડાયેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે માણસને માણસ સામે લડાવાઈ રહ્યા છે. હિંદુઓ અલગ, મુસ્લિમ અલગ, શીખ અલગ અને ખ્રિસ્તીઓ અલગ. આજે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે. ચીફ જસ્ટિસને પણ ધમકી આપવામાં આવી રહી છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે તમે બટન દબાવશો ત્યારે તાળાબંધી કરાયેલા તમામ નેતાઓ બહાર આવી જશે. જો તમે આ સરકારને હરાવી દેશો તો તમારું એટલે કે પ્રજાનું શાસન સ્થાપિત થઈ જશે.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમારી તાકાત ભારતના 140 કરોડ લોકો છે. એનડીએ સરકાર દ્વારા બંધારણમાંથી મળેલી તમામ બાંયધરીનો નાશ કરવામાં આવી રહ્યો છે. કલ્પના સોરેને કહ્યું કે ભગવાન રામ તેમના વિરોધીઓનું પણ સન્માન કરતા હતા. “ભગવાન રામ હંમેશા તેમના સિદ્ધાંતોનું પાલન કરતા હતા. તેઓ ધૈર્ય ધરાવતા હતા. તેમના દુશ્મનોને હરાવ્યા પછી પણ તેમણે તેમનું સન્માન કર્યું હતું. દેશમાં જે રીતે બેરોજગારી છે, મોંઘવારી ચરમસીમા પર છે અને નફરતની આગ ફેલાવવામાં આવી રહી છે… અહીં દરેક જાતિ અને વર્ગના રક્ષણ માટે કોઈ ઊભું થયું નથી. ભારતના લોકો સૌથી મોટા છે. 140 કરોડની જનતાથી વધુ શક્તિશાળી કોઈ પાર્ટી ન હોઈ શકે.

આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ I.N.D.I.A. ગઠબંધનની રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું, “દિલ્હીની ભીડ કહી રહી છે કે મોદી જે રીતે આવ્યા હતા એ જ વાવાઝોડાની જેમ જતા રહેશે. પીએમ મોદી પર પ્રહાર કરતા તેજસ્વી યાદવે કહ્યું, પીએમ મોદીની રેલી ચીનના સામાન જેવી છે. જ્યારે  રાષ્ટ્રપતિ અડવાણીને ભારત રત્ન આપી રહ્યા હતા ત્યારે મોદી તેમના માનમાં ઊભા પણ ન થયા.  આ લોકો નાગપુરિયા કાયદો લાગુ કરવા માંગે છે. તેજસ્વી યાદવે તે ગીત સાથે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા કે તુમ તો ધોખેબાજ હો, વાદા કર કે ભૂલ જાતે હો.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “કોઈ વકીલ, કોઈ દલીલ, કોઈ કાર્યવાહી નહીં” સીધા જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેમણે મંચ પરથી ઉમર ખાલિદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ખાલિદ બે વર્ષથી જેલમાં છે. જમ્મુ-કાશ્મીર આજે પ્રયોગશાળા બની ગયું છે. તેમણે પૂછ્યું કે હેમંત, કેજરીવાલનો શું વાંક છે?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક દેશ અને એક વ્યક્તિની સરકાર દેશ માટે મુશ્કેલ કપરી સ્થિતિ ઊભી કરશે. આ દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે, આ માત્ર શંકા નથી પરંતુ હકીકત છે. તેમણે કહ્યું કે જો બે બહેનો હિંમતથી લડતી હોય તો ભાઈઓ કેવી રીતે પાછળ રહી શકે. તેમણે સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનને સંબોધતા આ વાત કહી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “હું સુનીતા કેજરીવાલ અને કલ્પના સોરેનને કહેવા માંગુ છું કે અમે તમારી સાથે ઉભા છીએ. હું ભાજપને તેના બેનરો પર લખવા માટે પડકાર ફેંકુ છું કે તે લખી બતાવે કે ED-CBI-Income Tax તેમના સહયોગી છે. હવે ભારતમાં ગઠબંધન સરકાર લાવવાનો સમય આવી ગયો છે. અમે અહીં લોકશાહીની રક્ષા માટે એકજૂટ છીએ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!