ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અને બંદોબસ્ત બાબતે સઘન ચર્ચા કરાઈ

આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અને બંદોબસ્ત બાબતે સઘન ચર્ચા કરાઈ

 

તાહિર મેમણ – આણંદ – 09/4/2026 – આણંદ – આણંદ-કરમસદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. લોકશાહીનું આ મહાપર્વ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયાના સુચારુ આયોજન અર્થે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન અને સંકલન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આણંદ-કરમસદ મહાનગરપાલિકા (વોર્ડ ૧ થી ૫) ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી આણંદ ડો. મયુર પરમારના અધ્યક્ષસ્થાને કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ બેઠકમાં ડો. મયુર પરમારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે તમામ વિભાગોને પરસ્પરના સંકલન સાથે ચૂંટણી કાર્ય કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સૌથી મહત્વનું પાસું હોવાથી, બેઠકમાં પોલીસ વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

ચૂંટણી અધિકારીશ્રીએ મતદાનના દિવસે તેમજ તે પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત, રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને આચારસંહિતાના ચુસ્ત પાલન માટે જરૂરી સૂચનાઓ આપી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આયોજનબધ્ધ કાર્ય થાય તે જોવા જણાવ્યું હતુ.

 

આ બેઠકમાં આણંદ-કરમસદ મહાનગરપાલિકાની ચૂંટણીના ચૂંટણી અધિકારીશ્રીઓ, સર્વશ્રી આણંદ પ્રાંત અધિકારીશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી (સ્ટેમ્પ ડ્યુટી), જિલ્લા પશુપાલન અધિકારીશ્રી તેમજ ડી.વાય.એસ.પી.શ્રી જે. એન. પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ થાણા અધિકારીશ્રીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

Back to top button
error: Content is protected !!