કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ તાત્કાલિક સર્વે અને સહાય ચૂકવવા રજૂઆત કરી

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા હાલમાં થયેલા કમોસમી ભારે વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવવા માંગણી કરી છે. ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓના ગામોમાં ખેતીના પાકો જેવા કે મકાઈ, ડાંગર, કપાસ, શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ સંદર્ભે, તેમણે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેથી ખેડૂતોને નુકસાનનું પૂરેપૂરું વળતર મળી રહે. તેમણે નુકસાનની ગણતરી કરવા અને સર્વે માટે કર્મચારીઓની ટીમો મોકલીને સમયસર સહાય મળે તેવી કાર્યવાહી પણ કરવા જણાવ્યું છે. વિશેષમાં, ધારાસભ્યએ ગોધરા વિધાનસભા મત વિસ્તારના ગામોમાં સર્વે કરવા જનાર કર્મચારીઓની સમયવાર તારીખ સહિતની યાદી પણ મોકલી આપવા સૂચના આપી છે. જેથી સચોટ સર્વેની કામગીરી થઈ શકે અને ખેડૂતોને ઝડપી સહાય મળી રહે.






