ત્રિ-દિવસીય એક્સ્પોમાં નાગરિકો દેશની આંતરિત-બાહ્ય સુરક્ષા કરતી વિવિધ ટુકડીઓનો પરિચય મેળવશેઃ
—–
તાપીના નગરજનોને પોલીસના આધુનિક શસ્ત્રો નિહાળવા મળશેઃ
—-
માહિતી બ્યુરો, તાપી તા.૨૫ :- ૭૬માં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા સૌમ્ય, શૌર્ય, ધીરજ અને તકનીકી કુશળતાને પ્રદર્શિત કરતા પોલીસ એક્સપોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા.
વ્યારા પોલીસ હેડકવાર્ટર ખાતે તાઃ૨૭ મી જાન્યુઆરી સુધી ચાલનારા ત્રિ-દિવસિય પોલીસ એક્સ્પો સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતી કામગીરી નિહાળી શકશે. તાપી જિલ્લાના નાગરિકો એકસ્પોને સવારના ૧૦.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી નિહાળવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજુ કરતા ૩૫ સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, સી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ., ટ્રાફિક સહિત વિવિધ જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શનીમાં વિવિધ ટુકડી કેવી રીતે દેશની આંતરિક અને બ્રાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તે અંગેની માહિતી સ્ટોલ મારફતે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, રાજયના ડીજીપી શ્રી વિકાસ સહાય, જિલ્લા પ્રભારી સચિવ મિલિંદ તોરવણે, જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, રેન્જ આઇજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.