ઇકબાલગઢ-ખારા માર્ગ પર બનાસ નદીના પુલનું સમારકામ: વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર કરાયું

3 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું: આગામી ૬૨ દિવસ સુધી આ પુલ પર વાહનવ્યવહાર અવર-જવર પર પ્રતિબંધ રહેશે યાત્રિકો અને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ ઊભા કરાયા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઇકબાલગઢ-ખારા માર્ગ પર, બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા હાથ ધરાયેલા રૂટીન ઇન્સ્પેક્શન દરમિયાન બ્રિજમાં જરૂરી મરામત જણાતા, સરકારશ્રી દ્વારા આ કાર્ય માટે રૂ. ૪૭૪ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બ્રિજના બેરીંગ રિપ્લેસમેન્ટ અને એક્સપાન્સન જોઈન્ટની કામગીરી પ્રગતિમાં હોવાથી, મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બનાસકાંઠા દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં તા. ૦૨/૦૪/૨૦૨૬ થી તા. ૦૨/૦૬/૨૦૨૬ (કુલ ૬૨ દિવસ) સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો અને રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો વૈકલ્પિક માર્ગ તરીકે ઇકબાલગઢથી ખારા તરફ જતા વાહનોએ ઇકબાલગઢથી સરોત્રા, ઘાંટા અને વેરા-બાલુન્દ્રા ત્રણ રસ્તા થઈને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. તેવી જ રીતે, ખારાથી ઇકબાલગઢ આવવા માટે બાલુન્દ્રા ત્રણ રસ્તાથી વેરા, ઘાંટા અને સરોત્રા વાળો માર્ગ ઉપયોગમાં લેવાનો રહેશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં લોકોને વધુ સુરક્ષિત અને સુગમ્ય વાહન વ્યવહારની સુવિધા મળી રહે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.




