GUJARATIDARSABARKANTHA

ઈડર શહેરમા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવણીની માંગ, પ્રાંત અધિકારીને આવેદન અપાયુ

ઈડર શહેરમા ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવણીની માંગ, પ્રાંત અધિકારીને આવેદન અપાયુ

ઈડર શહેરમા સરકારશ્રી દ્વારા આજદિન સુધી સત્તાવાર ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં ન આવતાં રીક્ષાચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ઈડર ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા તંત્ર સમક્ષ ફરી એકવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
રીક્ષાચાલકોનું કહેવું છે કે શહેરમાં રીક્ષા સ્ટેન્ડ ન હોવાના કારણે ટ્રાફિક પોલીસ, નગરપાલિકા-ઈડર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સાબરકાંઠા દ્વારા વારંવાર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. રીક્ષા ઊભી રાખવાની જગ્યા ન હોવાથી મેમો આપવામાં આવે છે, જેના કારણે રીક્ષાચાલકોને આર્થિક નુકસાન થાય છે તેમજ માનસિક હેરાનગતિ સહન કરવી પડે છે. અનેક વખત દંડની રકમ ભરાઈ ન શકે ત્યારે રીક્ષા પોલીસ સ્ટેશનમાં જમા રાખવામાં આવે છે અને દંડ ભર્યા બાદ જ છોડવામાં આવે છે.
ઈડર ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા આ બાબતે અગાઉ પણ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વર્ષ ૧૯૯૫થી લઈને ૨૦૧૨, ૨૦૧૭ અને તાજેતરમાં તા. ૦૫-૦૩-૨૦૨૪ના રોજ પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત તા. ૨૬-૮-૧૯૯૫ના રોજ રમણલાલ વોરા ને સરકાર પ્રજાના કાર્યક્રમ દરમિયાન લેખિત આવેદન પણ આપવામાં આવ્યું હતું. છતાં આજદિન સુધી રીક્ષા સ્ટેન્ડ ફાળવણી અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.
આ મુદ્દે તાજેતરમાં ઈડર ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા પ્રાંત અધિકારી ઈડર સમક્ષ લેખિત આવેદન આપવામાં આવ્યું છે. આવેદનમાં ઈડર શહેરમાં તાત્કાલિક ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવા તેમજ ત્યાં સુધી રીક્ષાચાલકો સામે થતી દંડનીય કાર્યવાહી પર રોક લગાવવા વિનંતી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું એસોસીએશન દ્વારા જણાવાયું છે.
એસોસીએશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓટો રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ કરવામાં આવી છે, જેમાં ઈડર બસ સ્ટેન્ડ પાસે, તિરંગા સર્કલ, જનતા ડેરી બાજુ, નગરપાલિકા સામે, રામધુન ચોક, ઈડર ટાવર વિસ્તાર, ભૂતિયા પુલ, ભિલોડા ત્રણ રસ્તા, રેલ્વે સ્ટેશન નજીક સહિત કુલ ૧૬ સ્થળોનો સમાવેશ થાય છે.
રીક્ષાચાલકો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે હડતાલ પર ઉતરવાની ફરજ પડશે. શહેરના સેકડો રીક્ષાચાલકોની રોજીરોટી સાથે જોડાયેલા આ મુદ્દે હવે તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું છે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!