
રેવન્યુ તલાટી ભરતીમાં ST ઉમેદવારો સાથે અન્યાય, ચૈતર વસાવાની GSSSBને રજુઆત*
તાહિર મેમણ- ડેડીયાપાડા 20/01/2026 – ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં આદિવાસી (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિની વિરુદ્ધ હોવાનું જણાવી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને પત્ર લખી રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં અંદાજે 2389 જેટલી રેવન્યુ તલાટી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં આદિવાસી ઉમેદવારો માટે 40 ટકા લઘુતમ ગુણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા, તેમજ 150 ગુણના પેપરમાં 60 ગુણ ફરજિયાત નક્કી કરવામાં આવ્યા હતા. દરેક પેપરમાં સમાન રીતે 40 ટકા લઘુતમ ગુણ ફરજિયાત રાખવાનો નિર્ણય ભારતના બંધારણના અનુચ્છેદ 16(4) તથા અનુચ્છેદ 335 સહિત અનામત સંબંધિત જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે. અનામત અને બિન-અનામત વર્ગ માટે એકસરખા ધોરણો નક્કી કરી શકાય નહીં, કારણ કે સમગ્ર દેશમાં ભરતી પ્રક્રિયાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને લઘુતમ ગુણમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે આ પ્રકારના કડક ધોરણોને કારણે આદિવાસી વિસ્તારોના અનેક પ્રતિભાશાળી ઉમેદવારો ભરતી પ્રક્રિયાથી બહાર રહી જવાની ભીતિ છે, જે તેમની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિને જોતા સ્પષ્ટ અન્યાય છે. તેમણે માંગ કરી છે કે રેવન્યુ તલાટી ભરતી જાહેરાત ક્રમાંક 301 અંતર્ગત અનુસૂચિત જનજાતિના ઉમેદવારોનું પરિણામ સામાન્ય ઉમેદવારોથી અલગ રીતે તૈયાર કરવામાં આવે અને તમામ પેપરોમાં લઘુતમ ગુણની મર્યાદામાં યોગ્ય છૂટછાટ આપી ન્યાય કરવામાં આવે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉલ્લેખ કર્યો કે અગાઉ પણ ગુજરાત લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં ST ઉમેદવારો તેમના બંધારણીય અધિકારોથી વંચિત રહ્યા હતા, જે બાબતનું પુનરાવર્તન ન થાય તે જરૂરી છે. જો આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યનો આદિવાસી સમાજ પોતાના હક અને ન્યાય માટે ન્યાયિક માર્ગ કે રાજ્યવ્યાપી શાંતિપૂર્ણ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 1. લઘુત્તમ ગુણનો ધોરણ આદિવાસી ઉમેદવારો માટે નરમ બનાવવો જોઈએ, અથવા કાઢી જ નાખવો જોઈએ, 2. ટ્રેનિંગ અને ઓરિએન્ટેશન કાર્યક્રમો શરૂ કરવા જોઈએ જેથી પસંદ થયેલા ઉમેદવારોને નોકરી પહેલાં પૂરતું માર્ગદર્શન મળે. 3. અનામતનો અર્થ ‘ખાલી બેઠક’ નહીં પણ ‘તકની સમાનતા’ છે, એ સમજવું જરૂરી છે.




