જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને સમર્થન આપતા આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલ
જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના આંદોલનને સમર્થન આપતા આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે આજે જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના ચાલુ આંદોલનને પૂર્ણ સમર્થન આપ્યું છે અને ભાજપ શાસિત જૂનાગઢ મહાનગર પાલિકાની કામગીરી પર તીખા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓની માંગણીઓ સંપૂર્ણ વાસ્તવિક છે અને તેમને તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ.
રેશ્મા પટેલે કહ્યું કે, “સફાઈ કર્મીઓની માંગણીઓ વાસ્તવિક છે. જૂનાગઢ મહાનગર પાલિકાએ તેમને અમલમાં મૂકવી જોઈએ, અન્યથા અમે સફાઈ કર્મીઓના સમર્થનમાં પાલિકા કચેરી આવીને માંગણીઓ પૂર્ણ કરવા માટે ભાજપનો વિરોધ કરીશું.”
તેઓએ વધુમાં જણાવ્યું કે, “જૂનાગઢમાં ભષ્ટાચારમાં ડૂબેલા ભાજપના સામ્રાજ્યને કારણે જ આ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. ભાજપના પાપને કારણે આજે લોકો અને સફાઈ કામદારો બંને પરેશાન છે.”
ધર્મ અને પરંપરાના મુદ્દે ભાજપને આડે હાથ લેતા રેશ્મા પટેલે કહ્યું કે, “ધર્મના નામે મત માંગતા ભાજપ અધર્મી છે. આ દ્રશ્યોમાં ગાય માતા ગંદકીમાં કચરો કોથળીને ખાઈ રહી છે, અને મંદિર જેવા પવિત્ર સ્થાનો કચરાથી ખદબદી રહ્યા છે.”
તેઓએ જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર મહત્વને ધ્યાનમાં રાખીને માંગણી કરી કે, “અમે ઐતિહાસિક પવિત્ર ભૂમિ જૂનાગઢને સ્વચ્છ કરવાની માંગણી કરીએ છીએ અને સફાઈ કર્મચારીઓ સાથે ન્યાય કરવાની માંગણી કરીએ છીએ.”
આમ આદમી પાર્ટી સફાઈ કર્મચારીઓના અધિકારો અને શહેરની સ્વચ્છતા માટે પ્રતિબદ્ધ છે અને જરૂર પડ્યે વધુ આંદોલનો કરવાની તૈયારીમાં છે.