GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા મેંધર તથા તલાવચોરા ગામે ફ્લડ વોટર ડ્રેઇન કાર્યોની સમીક્ષા મુલાકાત

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ  દ્વારા ગણદેવી તાલુકાના મેંધર તથા ચીખલી તાલુકાના તલાવચોરા  ગામના જળ સંબંધી  કામગીરી અંતર્ગત ફ્લડ વોટર ડ્રેઇન કામોની  સ્થળ  મુલાકાત લઈ વિસ્તૃત સમીક્ષા કરવામાં   આવી હતી.

મંત્રીશ્રી સી.આર. પાટીલે કાંસ સફાઈ, વરસાદી પાણીના વ્યવસ્થાપન તથા જળ સંચયના કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સૂચનો આપ્યા હતા . ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટેના આયોજન પર ભાર મૂક્યો હતો.

ગામની મુલાકાત દરમ્યાન મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે  સંવાદ સાધી ખેતીમાં જળ સંચયના સ્ટ્રક્ચર  બનાવવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે, “વરસાદી પાણીને  ખેતરમાં જ સંગ્રહિત કરવામાં આવશે તો ભવિષ્યમાં સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ રહેશે અને ભૂગર્ભજળનું સ્તર પણ સુધરશે.”

મંત્રીશ્રીએ  વધુમાં ઉમેર્યું કે સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યો સાથે ખેડૂતોની સક્રિય ભાગીદારી જોડાય ત્યારે જ જળ સંચયનું અભિયાન સફળ બનશે .

આ મુલાકાત પ્રસંગે  નવસારી જિલ્લા  કલેકટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ , ચીખલી પ્રાંત અધિકારી મિતેષ પટેલ , સ્થાનિક આગેવાનો, વિભાગીય અધિકારીઓ અને  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!