
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડાના આર.જી. બારોટ કોલેજ ટ્રસ્ટીનો વિદ્યાર્થી પર લાકડીથી હુમલો – સ્કૂલ બસના ડ્રાઇવર પાસે પાણી માંગતા થઈ હતી બોલાચાલી..!!! SC/ST Atrocity Act હેઠળ નોંધાયો ગુન્હો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની આર.જી. બારોટ કોલેજમાં એક આદિવાસી વિદ્યાર્થી પર ટ્રસ્ટી દ્વારા કરાયેલ મારમાર અને જાતિવાદી અપમાનનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓની કાર્યપ્રણાલી અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૦૯/૦૧/૨૦૨૬ના રોજ સવારે આશરે ૯ વાગ્યે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી દીપક પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન તેના મિત્ર અભિષેક નીનામાએ સ્કૂલ બસના ડ્રાઇવર પાસે પાણી માંગતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ ભણવા માટે પોતાના ક્લાસમાં ચાલ્યા ગયા હતા.આ પછી આશરે ૧૦:૩૦ વાગ્યે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ ક્લાસરૂમમાં આવ્યા હતા અને સવારની ઘટનાને લઈ વિદ્યાર્થીઓને બહાર બોલાવ્યા હતા. આરોપ છે કે દેવાંગભાઈએ દીપકને પગ તથા બરડાના ભાગે લાકડીથી માર માર્યો હતો તેમજ ગાલ પર લાફા ઝીંક્યા હતા. આ સાથે તેમણે અપમાનજનક શબ્દો કહ્યા કે,“તમે દુનિયાના છેડે જાઓ તોય સાલા આદિવાસી નહીં સુધરો.” ઘટના બાદ કોલેજ પ્રશાસને વિદ્યાર્થીના વાલીને બોલાવી દીપકને એક અઠવાડિયા માટે ઘરે મોકલી આપ્યો હતો. રાત્રે દીપકને શરીરે ભારે દુખાવો થવા લાગ્યો હતો. બીજા દિવસે તેને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી સીટી સ્કેન અને સોનોગ્રાફી માટે હિંમતનગર રેફર કર્યો હતો.
આ બનાવને લઈને આદિવાસી સમાજ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાને અનુસૂચિત જનજાતિ પર થયેલ અત્યાચાર ગણાવી SC/ST એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે શિક્ષણ આપવાની જગ્યાએ ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓ પર મારમાર અને જાતિ આધારિત ગાળો આપવી ગંભીર ગુનાહિત બાબત છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.હવે જોવાનું રહ્યું કે શિક્ષણ સંસ્થામાં થયેલ આ ગંભીર ઘટના સામે કાયદો કેટલો કડક બને છે.





