
ડાંગ જિલ્લામાં ચૂંટણી પૂર્વે ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, જ્યાં પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુરાવ ચોર્યાના પરિવાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપની અંદર ઉથલપાથલ મચી છે.
કમલેશ ચોર્યા, ગુલાબ ચોર્યા અને તુલસીરામ ચોર્યા સહિત પરિવારના અગ્રણીઓએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સાથે સાથે ગૌર્યા, હનવંતચોન્ડ, ધૂંધુનિયા, ઇસદર અને ટોકરદહાડ ગામોના આશરે 40 જેટલા આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતા વધતી જોવા મળી રહી છે.
સ્થાનિક સ્તરે ભાજપ પ્રત્યે અસંતોષ, અવગણના અને નેતૃત્વ પ્રત્યે નારાજગીના કારણે કાર્યકરોમાં ભંગાણ ઊભું થયું હોવાના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આ પ્રકારના પક્ષપરિવર્તન ભાજપની આંતરિક કમજોરીઓને ઉજાગર કરે છે.
કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના હસ્તે તમામ આગેવાનોને આવકારવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ જોડાણને “જાહેર વિશ્વાસનું પ્રતિબિંબ” ગણાવ્યું છે, જ્યારે ભાજપ માટે આ ઘટનાને રાજકીય ચાબખા સમાન માનવામાં આવી રહી છે.
હવે મહત્વનું એ છે કે આ અસંતોષની લહેર માત્ર શરૂઆત છે કે પછી ચૂંટણીમાં ભાજપ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે..






